Advertisement

બોરસદમાં ખાતર કટોકટી! 5 વીઘાવાળા ખેડૂતને માત્ર 2 થેલી, 40 હજાર ખેડૂતો પરેશાન

બોરસદમાં ખાતર કટોકટી! 5 વીઘાવાળા ખેડૂતને માત્ર 2 થેલી, 40 હજાર ખેડૂતો પરેશાન

શિયાળુ પાક હાલમાં પરિપકવ અવસ્થામાં તેમજ તમાકુનો પાક તૈયાર થવા આવ્યો છે. ત્યારે ખેડૂતોને છેલ્લુ ખાતર આપવાનો સમય પાકી ગયો છે. જેમાં 5 વીઘા કે તેથી વધુ જમીન ધરાવતાં ખેડૂતોને સરેરાશ 5 થી 7 થેલી ખાતર ની જરૂરીયાત હોય છે. તેની સામે આણંદ જિલ્લામાં એક માત્ર બોરસદ તાલુકામાં ખાતરના ડેપોમાં આધારકાર્ડ પર બે થેલી આપવાનો નિર્ણય સંચાલકો દ્વારા કરવામાં આવતાં 40 હજારથી વધુ ખેડૂતોને ખાતર માટે વલખા મારવાનો વખત આવ્યો છે. મોટાભાગ ડેપોમાં ખાતરનો જથ્થો જરૂરીયાત મુજબ મળ્યો હોવા છતાં ખેડૂતોને આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.

બોરસદ તાલુકાના ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે હાલ વાવણીનો સમય ચાલી રહ્યો છે. અને ખાતર વગર પાકની યોગ્ય વૃદ્ધિ શક્ય નથી. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાથી પાક નબળો રહેવાની અને આખો પાક ખલાસ થઈ જવાની ગંભીર ભીતિ પ્રવર્તી રહી છે. ખાતર વિતરણ કેન્દ્રો ખાતે અનેક ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા છતાં જરૂરિયાત મુજબ ખાતર મળતું નથી.

ખાતર અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર પુરવઠો ન થાય તો આવનારા દિવસોમાં ઉત્પાદન પર સીધી અસર પડશે. અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ખાતર પુરવઠો વધારવાની અને પ્રતિબંધો હટાવવાની માંગ ઉઠી રહી છે. અને જો ખડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં નહિ માળે તો આંદોલનની ચેતવણી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી રહી છે.

ખાતરના અભાવે રવિ પાકનો ઉતારો ઘટશે જંત્રાલ ગામના ખેડૂત જયંતિભાઇ પરમારને ખાતરની અછત બાબતે જણાવ્યું છે કે અમારે પાંચ પાંચ વીઘા જમીન માટે માત્ર બે થેલી યુરિયા આપ્યું છે. હવે સમસ્યા એ છે કે માત્ર બે કોથળી ખાતર દસ વીઘામાં ક્યાં નાખીએ? 10 વીઘામાં ઓછીમાં ઓછી8 થેલી ખાતર જોઇએ તેની સામે બે થેલી ખાતર મળ્યું છે. જેથી ખાતરના અભાવે રવિ પાકના ઉતારો ઘટવાની સંભાવના છે.

Advertisement