આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વની અદભૂત અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. બોરસદના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી 'શિવજી કી સવારી'માં આશરે 35 હજારથી વધુ માનવ મહેરામણ ઉમટી પડતા આખું શહેર શિવભક્તિના રંગે રંગાયું હતું.
ભવ્ય આયોજન અને નગરચર્યા
બળિયાદેવ મંદિર પાસેથી શિવજીની શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. નંદી પર સવાર થઈને શિવ પરિવાર જ્યારે નગરચર્યાએ નીકળ્યો, ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સવારીમાં આધુનિક LED લાઈટિંગ, ગુંજતા DJના સૂર અને આકાશને આંબતી ભવ્ય આતશબાજીએ આકર્ષણ જમાવ્યું હતું.
હજારોની જનમેદનીને કારણે માર્ગો ઉભરાયા
બોરસદના મુખ્ય માર્ગો ભક્તોની ભીડથી ચિક્કાર ભરાઈ ગયા હતા. હજારોની જનમેદનીને કારણે માર્ગો પર કેસરીયો સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભક્તો શિવભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા જોવા મળ્યા હતા અને વાતાવરણમાં 'હર હર મહાદેવ' અને 'જય ભોલે'ના નાદ ગુંજી ઉઠ્યા હતા.