Advertisement

બોમ્બની ધમકીનો 'ઈમેલ આતંક': વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

બોમ્બની ધમકીનો 'ઈમેલ આતંક': વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

અમદાવાદ: સંસ્કારી નગરી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં અજાણ્યા તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે શાળાઓને નિશાન બનાવ્યા બાદ, આજે મંગળવારે વડોદરાની દિવાળીપુરા જિલ્લા અદાલત, અમદાવાદની જૂની હાઈકોર્ટ, ગાંધીનગર અને વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.


વડોદરા કોર્ટમાં કિલ્લેબંધી: મેન ગેટ બંધ કરાયા

મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા કોર્ટને ધમકીભર્યો મેઈલ મળતા જ પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે કોર્ટના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી સમગ્ર પરિસર ખાલી કરાવાયું હતું. અકોટા પોલીસ સ્ટેશનના પી.આઈ.ના જણાવ્યા મુજબ, સુરક્ષાના તમામ માપદંડો સાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


રાજ્યભરમાં ધમકીઓનો સિલસિલો

માત્ર વડોદરા જ નહીં, પરંતુ આજે તબક્કાવાર રીતે રાજ્યની અન્ય મહત્વની કોર્ટને પણ નિશાન બનાવવામાં આવી હતી:

  • અમદાવાદ: લાલ દરવાજા સ્થિત જૂની હાઈકોર્ટમાં ધમકીને પગલે અફરાતફરી મચી.

  • ગાંધીનગર અને વલસાડ: અદાલત સંકુલને ખાલી કરાવી પોલીસ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરાઈ.


ગઈકાલે શાળાઓને બનાવવામાં આવી હતી નિશાન

ઉલ્લેખનીય છે કે, સોમવારે વડોદરાની અનેક નામાંકિત શાળાઓ અને મોડી સાંજે કારેલીબાગની બ્રાઈટ સ્કૂલને પણ આવા જ ઈમેલ મળ્યા હતા. જોકે, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, પરંતુ વારંવાર મળતી આ ધમકીઓને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે.


તંત્ર માટે પડકાર: સાયબર ક્રાઈમ સક્રિય

એક પછી એક શાળાઓ અને હવે ન્યાયતંત્રની સંસ્થાઓને મળતી આ ધમકીઓએ પોલીસ તંત્ર માટે મોટો પડકાર ઉભો કર્યો છે. સાયબર ક્રાઈમની ટીમ ઈમેલના ઓરિજિન (સ્ત્રોત) તપાસી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ શહેરની શાંતિ ડહોળવાનો 'હોક્સ' (મજાક) હોવાનું જણાય છે, તેમ છતાં પોલીસ કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી.

Advertisement