બી.એન. પટેલ કોલેજ: મચ્છરજન્ય રોગો અને નિવારણ અંગે વર્કશોપ
આણંદ જિલ્લામાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલે આ કાર્યક્રમોનું સંચાલન કર્યું છે.
જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. રાજેશ પટેલે બી.એન.પટેલ કોલેજમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે મચ્છરની ઉત્પત્તિના સ્થાનો, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. મચ્છર કરડવાથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે વિસ્તૃત સમજ આપી હતી.
આણંદ જિલ્લામાં આ દિવસની ઉજવણી અંતર્ગત વ્યાપક કાર્યક્રમો યોજાયા છે. આમાં 5 રેલી, 350 જૂથ ચર્ચા અને 65 શૈક્ષણિક સંસ્થાઓમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે. 550 સોશિયલ મીડિયા પોસ્ટ, 55 પોરા પ્રદર્શન અને 85 પોસ્ટર-બેનર પ્રદર્શન કરવામાં આવ્યા છે. 245 સંસ્થાઓને મેલેરિયા-ડેન્ગ્યુ નોટિફિકેશન એક્ટની સમજ આપવામાં આવી છે.
ડૉ. રાજેશ પટેલે વિદ્યાર્થીઓને મચ્છર નિયંત્રણના સૂત્રો આપ્યા છે. "મચ્છર ભગાવો રોગ મટાડો", "મચ્છરમુક્ત ઘર સ્વસ્થ પરિવાર", "એક ડ્રાય ડે મચ્છર મુક્ત સોસાયટી" અને "સુરક્ષા તમારી જવાબદારી પણ તમારી" જેવા સૂત્રો દ્વારા મચ્છર નિયંત્રણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી છે.