બાળકો સાથે બાળક બન્યા CM, ફન બ્લાસ્ટમાં ટોય ટ્રેન રાઇડ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસ.જી. હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીનાં નાનાં બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યાં અને છેલ્લે રમકડાં વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. આ કાર્યક્રમમાં CM અધિકારીઓ સાથે હળવી મજાક કરતાં પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
CM આવ્યા ત્યારે બાળકોએ બે હાથ ઊંચા કરી સ્વાગત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઇવે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીનાં બાળકો દર શનિવારે એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતાં હોય છે ત્યારે આજે નાનાં બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાનાં બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી
ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાનાં બાળકની જેમ રમતનો આનંદ માણ્યો
ફન બ્લાસ્ટમાં CM આજે આંગણવાડીનાં બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા. અહીં CM બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો, તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક કરી. આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને CM સાંભળી રહ્યા હતા. જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ.
દર શનિવારે આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન આવે છે ફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાનાં બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે, જ્યાં નાનાં બાળકોને સવારે 9:00થી 11 વાગ્યા સુધી તમામ રાઈડમાં રમતો રમવા દેવામાં આવે છે.
આ રમતોની સાથે બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે, સાથે-સાથે રમકડાંનું વિતરણ પણ કરાવવામાં આવે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા અને તેઓ દ્વારા બાળકો સાથે મજા માણી અને રમકડાં વિતરણ કરવામાં આવ્યું હતું.