Advertisement

બારી… જીવનનો નિર્વચનીય હિસ્સો

બારી… જીવનનો નિર્વચનીય હિસ્સો

ઘર ગામડાનું હોય કે શહેરમાં આવેલું કોઈ મકાન… અથવા આધુનિક ફ્લેટ — એક વાત લગભગ દરેક જગ્યાએ કોમન હોય છે, અને તે છે ઘરની બારી. રૂમ હોય કે હોલ, બેડરૂમ હોય કે ઓટલો — બારી ધીમે ધીમે આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની જાય છે.


“દિવાલો ઘર બનાવે છે… બારીઓ તેને જીવંત બનાવે છે.”

બારીમાંથી આવતું અજવાળું અને પવનની એક લહેરખી માત્ર હવા કે પ્રકાશ નથી રહેતા, પરંતુ એ આપણી લાગણીઓ સાથે જોડાઈ જાય છે. બારી પાસે ઉભા રહીને આપણે દુનિયાને જોીએ છીએ, વિચારીએ છીએ અને ઘણી યાદો બનાવી લઈએ છીએ.


“બારી માત્ર ખુલ્લી જગ્યા નથી… એ યાદોની પ્રવેશદ્વાર છે.”

આ બારીમાંથી આપણે જીવનના અનેક રંગો જોયા હોય છે. ક્યાંક ખુશીના સમાચાર મળ્યા હોય — કોઈના ઘરે પારણું બંધાયું હોય… તો ક્યાંક દુઃખદ સમાચાર પણ આ જ બારીમાંથી સાંભળ્યા હોય. કોઈની જાન આવતી કે જતી જોઈ હોય, તો કોઈની અંતિમ યાત્રા પણ આ જ બારીમાંથી પસાર થતી જોઈ હોય.


“જીવનના દરેક સમાચાર પહેલા બારી સુધી જ પહોંચે છે.”


બારી જીવનની સાક્ષી બની રહે છે — જ્યાં તડકો પણ દેખાય છે અને છાયો પણ. શુભ પ્રસંગો પણ જોવા મળે છે અને અશુભ ક્ષણો પણ.

“તડકો અને છાયો… બંને બારી સમાન રીતે સ્વીકારે છે.”

મોસમ પ્રમાણે બારીમાંથી આવતો પવન પણ બદલાતો રહે છે. શિયાળામાં એ શીતળ અને ઠંડો લાગે છે. ઉનાળામાં બપોરે ગરમ લૂનો અહેસાસ થાય છે, તો રાત્રે એ જ પવન કલેજાને ઠંડક પહોંચાડે છે. ચોમાસામાં એ ભેજભર્યો બની વરસાદની સુગંધ સાથે અંદર આવે છે.


“પવન બદલાય છે… પણ બારીનો સાથ નથી બદલાતો.”

આ રીતે બારી આપણા જીવનમાં સુખ અને દુઃખ બંનેની સાથી બની રહે છે. ક્યારેક એકાંતમાં વિચારવાનું સ્થાન બને છે, તો ક્યારેક આશા અને આનંદ લાવતો માર્ગ બની જાય છે.


“ક્યારેક બારી બહારની દુનિયા બતાવે છે… તો ક્યારેક અંદરના વિચારો.”

એવી જ રીતે અમારી ચેનલ પણ એક બારી બનવાનો પ્રયત્ન કરી રહી છે — એવી બારી, જ્યાંથી આપણી પોતાની ગુજરાતી ભાષામાં સુખદ, પ્રેરણાત્મક અને જીવનમાં આનંદ પ્રસરાવનારા વિચારો આપ સુધી પહોંચે. એવા વિચારો, જે તમે અને તમારો પરિવાર સાથે બેસીને સાંભળી શકો અને જીવનમાં નવા દ્રષ્ટિકોણ સાથે આગળ વધી શકો.


“Urban Gujarat — વિચારોની એવી બારી, જ્યાંથી આશાનો પવન આવે.”

Urban Gujarat નો આ નવો પ્રવાસ પણ એવી જ બારી છે — જ્યાંથી વિચારોનો પવન અંદર આવે, મનને સ્પર્શે અને જીવનમાં ખુશીનો અહેસાસ કરાવે.


આ નવા પ્રવાસમાં આપ સૌનો સહયોગ અમારે માટે ખૂબ મહત્વનો છે. આશા છે કે આ બારીમાંથી આવતા વિચારોને તમે હૃદયથી સ્વીકારશો, યોગ્ય પ્રતિસાદ આપશો અને આ યાત્રાના સહયાત્રી બનશો.


“બારીઓ માત્ર દિવાલમાં નથી હોતી… કેટલીક બારીઓ દિલમાં ખુલે છે.”

Advertisement