બાકરોલ ઝઘડાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, જાહેર માફી સાથે
આણંદના બાકરોલની એક સોસાયટીમાં રખડતા કૂતરાઓને જમવાનું આપવા મુદ્દે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક પરિવારે બીજા પરિવાર પર હુમલો કર્યો હતો. સ્વાતિબેન જાનીના બનેવી હેતલભાઈ અને તેમના મિત્ર ઉમંગભાઈ ઈનામદારે બહારથી આઠથી દસ માણસો બોલાવ્યા હતા. લાકડીઓ, ડંડા અને અન્ય હથિયારો સાથે આવેલા આ અસામાજિક તત્વોએ પર્વ રાવલના પરિવારજનો પર હુમલો કર્યો હતો. તેમણે ઘર બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ હુમલા બાદ પર્વ રાવલની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી કુલ 11 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસે આજે પકડાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ તમામ આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ સ્થાનિક રહીશોની જાહેરમાં હાથ જોડી માફી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને વલ્લભવિદ્યાનગરમાં બાકરોલ ગેટ, શહીદ ચોક અને મોટાબજાર ચોકડી પર લઈ જઈ વરઘોડો ફેરવી લોકોની માફી મંગાવવામાં આવી હતી.