ફરી દબાણો, ફરી અકસ્માતો… હવે શરૂ થયો સફાયો
કરમસદ આણંદ મનપા દ્વારા બોરસદ ચોકડી થી કલેક્ટર કચેરી સુધીના પોણો કિમીના માર્ગ પર 6 મહિના પહેલા દૂર કરાયા બાદ ફરી દબાણો થઇ જતાં અને રોડ પર માલસામાન મુકી રખાતા ટ્રાફિકજામ સહિત અકસ્માતના બનાવો વધી ગયા હતા. જેને લઇને ગુરુવારે મનપા દ્વારા 40થી વધુ દબાણો દૂર કરવા સાગે રોડ પર મુકેલ ત્રણ ટ્રેકટર જેટલો માલ જપ્ત કરાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ બોરસદ બ્રિજ થી કલેકટર કચેરીના માર્ગ પર છેલ્લા કેટલાંક સમયથી દબાણો વધી ગયા છે. બોરસદ ચોકડી પર તો સરકારી જમીનમાં ગેરકાયદે રહેતા લોકોને ખસેડી મુક્યાબાદ કેટલાંક પરિવારો બ્રિજની નીચે ખાલી જગ્યાએ પડાવ નાંખીને ખાટલા, દરવાજા સહિત હાર્ડવેર્ડની ચીજવસ્તુઓ વેચાણ કરવા માટે રોડ નજીક બેસી જતાં હતા. જેના કારણે રાત્રિના સમયે કોઇ વાહનચાલકને માલસામાન ન દેખાય તો અકસ્માત થતા હતા. જેના કારણે ઘણીવાર તકરાર પણ થતી હતી.
તેમજ કલેકટર કચેરી સુધીમાં કેટલાંક ખાણીપીણીની લારીઓવાળા તેમજ પરપ્રાંતિ પાથરણાં વાળા ગેરકાયદે રોડની બાજુ ચીજવસ્તુઓ વેચવા બેસી જતાં હતા. જેના કારણે ટ્રાફિક જામ થતો હતો. જે બાબતે ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઇને કરમસદ આણંદ મનપાએ 40 થી વધુ દબાણો અને લારીઓ અને પાથરણાવાળાને હટાવીને 3 ટ્રેકટર માલસામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માથાભારે પરિવારો બ્રિજ નીચે પડાવ નાંખી ત્યાંથી હટવાનુ નામ નથી લેતાં
બોરસદ ચોકડી પાસે રેલ્વે અડી આવેલા ખાડામાં 300થી વધુ પરિવારો ચાર દાયકાથી ગેરકાયદે કાચાપાકા મકાનો બનાવીને રહેતા હતા. રોડ ની બાજુમાં ધંધો કરતાં હતા. તેઓને 6 માસ પહેલા હટાવી દેવામાં આવ્યાં છે. પરંતુ કેટલાંક માથાભારે પરિવારો બ્રિજ નીચે પડાવ નાંખી ત્યાંથી હટતા નથી. તેમજ રોડ પર માલસામાન મુકી દેતા હોય છે. જેના કારણે સપ્તાહમાં ચાર થી વધુ નાના મોટા અકસ્માત થતાં હતા
ચોકડી પર અકસ્માત ટાળવા માટે દબાણો દૂર કરાયાં : ડે. કમિશનર
મનપાના ડે.કમિશનર એસ કે ગરેવાલે જણાવ્યું હતું કે બોરસદ ચોકડી પાસે ટ્રાફિક જામ સહિત અકસ્માતના બનાવો અટકાવવા માટે રોડ સેફટી નિયમ અંતર્ગત મનપા દ્વારા બોરસદ ચોકડી થી કલેકટર કચેરી સુધીના દબાણો દૂર કરીને માર્ગ બંને બાજુ રાહદારીઓ માટે માર્ગો ખુલ્લો કર્યો છે. હવે પુન: દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવશે. તેમ છતાં કોઇ દબાણ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.