સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર જતા લોકોમાં આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વધવા લાગી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ હવાની ગુણવત્તા સુધારવા માટે અમરોલી બ્રિજ નીચે સ્મોગ ટાવર સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલા વસ્તાદેવડી રોડ પર એક સ્મોગ ટાવર લગાવવામાં આવ્યો હતો. હવે અમરોલી વિસ્તારમાં નવા ટાવર માટે અંદાજે 33.91 લાખ રૂપિયા બાંધકામ અને મશીનરી માટે ખર્ચાશે, જ્યારે આગામી ત્રણ વર્ષ સુધીના નિભાવ અને મરામત માટે વધારાનો ખર્ચ થશે. GST સહિત સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 35 લાખ રૂપિયા સુધી પહોંચશે.
આ પ્રોજેક્ટ માટે અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. અંતે જ્હાનવી ઇન્ટરનેશનલ એજન્સીએ ટેન્ડર મેળવ્યું છે. સ્મોગ ટાવરનો ખર્ચ સુરતના પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી આપવામાં આવશે, જ્યારે તેની મેઈન્ટેનન્સનો ખર્ચ પાલિકા પોતાના ભંડોળમાંથી ઉઠાવશે.