પેટલાદમાં 72 હજારની ચાઈનીઝ દોરી સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો
પેટલાદમાં રહેણાંક મકાનમાંથી રૂપિયા 72 હજારની ચાઈનીઝ દોરી સાથે શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે શખસની ધરપકડ કરી તે ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પટેલાદના નવગણવાડા ટેકરા પર રહેતા મુસ્લીમઅહેમદ ઉર્ફે રાજા જમાલોદૃીન ખાતીબ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પોતાના રહેણાંક મકાનમાં લાવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં શખસે સફેદ કલરના પ્લાસ્ટીકના કંતાનમાં વીંટાળેલા પાંચ કાર્ટુનમાં અલગ-અલગ કંપનીની ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતાં અંદાજિત રૂપિયા 72 હજારની કિંમતની 240 નંગ ફિરકીઓ મળી આવી હતી. પોલીસે શખસને ઝડપી પાડી તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, હજુ ઉત્તરાયણના તહેવાર આડે એક મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગામડાઓમાં મોટાભાગે વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારી દેવામાં આવ્યો છે. દોરી ટકાઉ અને સસ્તી હોય માર્કેટમાં તેની ખૂબ જ માંગ રહેતી હોય છે. જેને પગલે મોટાભાગના લોકો દોરી પર પસંદગી ઉતારતા હોય છે અને ખરીદાતા હોય છે.