પૂર્વ CM વિજય રૂપાણીના DNA સેમ્પલ મેચ થયા, રાજકોટમાં થશે અંતિમ સંસ્કાર

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાની તપાસ કરવા માટે બોઈંગની ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) જેવી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. આ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA), નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ જોડાશે. આ ઉપરાંત, દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની 'બોઇંગ'ની એક ટીમ પણ આજે અમદાવાદ આવી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંયુક્ત તપાસથી ઘટના પાછળના ટેકનિકલ સહિતના અન્ય પાસાઓ સ્પષ્ટ થવાની આશા છે.
આરોગ્ય મંત્રીએ શું કહ્યું?
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટતાં કરતાં કહ્યું કે ગુજરાતના માજી સીએમ વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા છે. હવે તેમના પરિજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને અંતિમ વિધિ કેવી રીતે અને ક્યાં કરવી તે અંગે તેમનો પરિવાર નિર્ણય લેશે. જેમાં સરકાર તેમને પૂરું સમર્થન કરશે.
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટી કરતાં કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.