પીપળાવ ગામની બેંકમાંથી બનાવટી સોના પર 31.55 લાખની લોન લેવાનું કૌભાંડ
સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં બનાવટી સોનું ગીરો મૂકીને રૂપિયા 31.55 લાખની રકમ લોન તરીકે લેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જોકે, સમગ્ર મામલે સોજિત્રા પોલીસે શખસ સામે ફરિયાદ નોંધી છે. આ ગુનામાં પૂર્વ બેંક મેનેજર સહિત અન્ય નામની સંડોવણી પણ ખુલવાની સંભાવના વચ્ચે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં પાંચ છ મહિના અગાઉ ગામમાં રહેતા શખસે પાંચથી છ ઈસમના નામે બનાવટી સોનું બેંકમાં ગીરો મૂકી તેના પર રૂપિયા 31.55 લાખની રકમની લોન લીધી હતી. દરમિયાન બેંકમાં ઓડિટ કરતા બેંકમાં લોનની અવેજમાં ગીરો મૂકેલું સોનું બનાવટી હોવાની વિગતો ખુલી હતી. જેથી બેંકના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરી હતી. જે
માં ભગુભાઈ કાંતિભાઈ ગોહેલ, દીપેશભાઈ પ્રભાતભાઈ પરમાર, વિપુલભાઈ રાયસંગભાઈ પરમાર, દિનેશભાઈ ભીખાભાઈ પરમાર, અજયભાઈ મેલાભાઈ પરમાર, કનુભાઈ રામાભાઈ પરમાર, અરવિંદભાઈ ગાંડાભાઈ પરમારના નામે મિતેષ નામના શખસે ગોલ્ડ પર લોન લીધી હોવાનું જણાવ્યું હતું. બેંકના મેનેજર દ્વારા તમામને બોલાવ્યા હતા અને પૂછપરછ કરતા તેઓની જાણમાં ન હોવાનું કહ્યું હતું.
મિતેષ નામના શખસે તેમના નામે લોન લઈ તેમના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલામાં બેંકને આર્થિક નુકસાન ગયું હોય તેમણે સમગ્ર મામલામાં ભગુભાઈ કાંતિભાઈ ગોહેલને ફરિયાદી બનાવી ગામમાં રહેતા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, સમગ્ર મામલે બેંકે નીમેલા સોની ઉપરાંત, અગાઉ ફરજ બજાવી ચૂકેલા બેંક મેનેજર, અન્ય કર્મીઓની પણ સંડોવણી હોવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે ત્યારે સોજિત્રા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાસોરના મિતેષ મનુ પરમારની ધરપકડ કરી છે.
ઓગસ્ટમાં જ બોરસદની બેંકમાં નકલી સોના પર લોન લીધાનો ગુનો નોંધાયો હતો બોરસદમાં આવેલી તમિલનાડુ બેન્કમાં ચાર માસ અગાઉ પાંચ શખસોએ ભેગા મળીને પહેલીવાર અસલી સોનાની ચેન આપ્યા બાદ બાકી ચાર વાર નકલી ચેન પધરાવી રૂપિયા 8 લાખની લોન મેળવી હતી. બોરસદના ડભાસી સ્થિત નવા ફળીયા ખાતે રહેતા અજયભાઈ પૂંજાભાઈ ચૌહાણના અમીઝારા સોસાયટીમાં રહેતા મિત્ર લાલા કાંતિ પરમારે તેના અન્ય મિત્ર ભગવાનસિંહ ઉર્ફે રાજુ સામંત ગોહેલ,ગીરીશ રમણ સોલંકી (બંને રહે. કણભા), ગંભીરસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા અને જયરાજસિંહ ગંભીરસિંહ જાડેજા (બંને રહે. ડાલી) સાથે મળીને બોરસદમાં આવેલી તામિલનાડુ બેન્કમાંથી કુલ પાંચ વાર સોનાની ચેન પર ગોલ્ડ લોન લીધી હતી. એક વાર ઓરિજનલ સોનાની ચેન આપ્યા બાદ અન્ય ચાર વખત તેઓએ નકલી સોનાની ચેન પધરાવી હતી. શખસો દ્વારા 916નો હોલમાર્કનો બનાવટી લોગોનો ઉપયોગ કરીને ઠગાઈ આચરી હોવાનું ખૂલ્યું હતું.