ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, ખેડા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા
ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા ડેમમાંથી સાબરમતી નદીમાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસને નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે. જિલ્લા કલેક્ટર અમીતપ્રકાશે નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરી છે.
કટોકટીની સ્થિતિમાં મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 0268-2553356/57 અને ટોલ ફ્રી નંબર 1077 જાહેર કરાયા છે. માછીમારો, પશુપાલકો અને ખેડૂતોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
ગઈકાલે પથાપુરા અને કલોલીને જોડતા માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં 1000 હેક્ટરથી વધુ જમીન જળબંબાકાર થઈ છે. ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. નદીના પાણી રોડ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. અણધારી આફતને પહોંચી વળવા તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.