દૂષિત પાણીથી બાકરોલ વાસીઓ પરેશાન, રોગચાળાનો ભય વધ્યો

આણંદના મનપા હસ્તક આવેલ બાકરોલ કોલોની વિસ્તારમાં પીવાના પાણી દુષિત આવતાં રહીશોઓ હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.ત્યારે આણંદ મનપા તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતાં રોષ ફેલાયો છે.જો કે બોર કુવામાંથી પાણી દુષિત આવતું હોવાથી 2 હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોને પીવાના પાણી માટે જગ વેચાતા મંગાવવાની ફરજ પડી રહી છે.બીજી તરફ ચોમાસુ સિઝન હોવાથી દુષિત પાણીના પગલે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો આખરે મહીલાઓએ મનપા તંત્રને ફરિયાદ કરી આકોશ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ ગામને મનપા સમાવેશ કર્યા બાદ ગ્રામજનો મળવાપાત્ર સુવિધા વંચિત રખાયાં છે.ત્યારે રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં આજદીન સુધી પરિણામ શૂન્ય આવતું હોવાનું જણાવ્યુ હતુ.આ અંગે સ્થાનિક વિસ્તારના રહીશ હાઝી ખલીફા, આરીફભાઇ સહિત અન્ય રહીશોએ જણાવ્યું હતું કે,વસાવા સોસાયટી, બાકરોલ કોલોની, પ્રગતિનગર સહિત 10 જેટલી સોસાયટીઓમાં ઘણા દિવસથી પીવાનું પાણી દુષિત આવે છે.જેના પગલે સમગ્ર વિસ્તારમાં બિમારીઓ શરૂ થઇ ગઈ હોવાથી તંત્રને વહેલી તકે સાફસફાઇ સહિત કામગીરીઓ હાથ ધરવા ફરિયાદ કરી હતી.
છતાંય પરિણામ શૂન્ય આવતા મનપા કમિશ્નર સહિત સત્તાધિશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.વધુમાં ઉર્મિલાબેન વસાવા, ફરીદાબેન, ગીતાબેન સહિત મહીલાઓએ જણાવ્યું હતું કે અમારી 10થી વધુ સોસાયટી વિસ્તારમાં મનપા બોરકુવામાંથી પાણી દુષિત આવે છે.તંત્રએ નવો બોર કુવો બદલવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી હતી.છતાંય ટુંક સમયમાં યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો ઓફીસ ગજવી દેવાની દેવાની ચિમકી ઉચ્ચારી છે.