Advertisement

દિનશા પટેલ કોલેજ વિદ્યાર્થી આપઘાત કેસ: અનુસૂચિત જાતિ સમાજે SPને આવેદનપત્ર આપ્યું

દિનશા પટેલ કોલેજ વિદ્યાર્થી આપઘાત કેસ: અનુસૂચિત જાતિ સમાજે SPને આવેદનપત્ર આપ્યું

નડિયાદની દિનશા પટેલ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત મામલે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીના પરિવારે કોલેજ સ્ટાફ પર માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. આજે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ અને પીડિત પરિવારે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપરત કર્યું હતું.


આવેદનપત્રમાં જણાવાયું છે કે જય પાટીલના આપઘાત પાછળ કોલેજ સ્ટાફની સંડોવણી છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીને આત્મહત્યા કરવા મજબૂર કરાયો હતો. આ ઘટના છતાં જવાબદારો સામે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કે ગુનો દાખલ ન થતાં વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે. રજૂઆતમાં પોલીસ તપાસ પર પણ આક્ષેપ કરાયો છે કે સુસાઈડ નોટમાં કારણોનો ઉલ્લેખ હોવા છતાં અને ફરિયાદ માટે પૂરતા આધાર હોવા છતાં પોલીસે યોગ્ય નિવેદનો લીધા નથી.


પીડિત પક્ષે આ કેસની તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપવાની માંગ કરી છે. અત્યાર સુધીની તપાસ ઢીલી હોવાથી સ્થાનિક પોલીસ પર ભરોસો ઘટ્યો હોવાનું જણાવાયું છે. તેમણે અત્યાચાર ધારાની જોગવાઈઓ હેઠળ તાત્કાલિક ગુનો નોંધી, સંડોવાયેલા અધિકારીઓ કે કોલેજ સ્ટાફના લોકોની ધરપકડ કરવાની માંગ કરી છે. રાજકીય કે આર્થિક દબાણ હેઠળ કેસ ખોટી દિશામાં ન જાય તે માટે યોગ્ય દેખરેખ હેઠળ તપાસની પણ માંગ કરાઈ છે.


સમાજે ચેતવણી ઉચ્ચારી છે કે જો પોલીસ તંત્ર પક્ષપાતભર્યું વલણ રાખશે અથવા આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરશે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરાશે. આવેદનપત્ર આપવા પહોંચેલા લોકોએ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.


સમગ્ર ઘટનાને લઈ મૃતકના પિતા વિજયભાઈએ જણાવ્યું હતું કે પોલીસ એવું જણાવી રહી છે કે વિદ્યાર્થીએ લેસન ન કર્યું એટલે આત્મહત્યા કરી લીધી. મારા પુત્ર એ સુસાઈડ નોટ માં ઉલ્લેખ કર્યો હોવા છતાં પોલીસે સરખી તપાસ કરી નથી. આ ઘટનામાં સાચી તપાસ થવી જોઈએ અને એમને ન્યાય મળવો જોઈએ.


અત્યારે આ મુદ્દો નડિયાદ સહિત આખા ખેડા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ તંત્ર આ ગંભીર રજૂઆત બાદ હરકતમાં આવે છે કે કેમ અને શું પીડિત પરિવારને ન્યાય મળશે? વિદ્યાર્થીના અકાળે અવસાનથી શોકમગ્ન પરિવાર માત્ર એક જ માંગ કરી રહ્યો છે: “મારા પુત્રને મરવા મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ.”

Advertisement