Advertisement

તારાપુર-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આઈશર ચાલકનું મોત

તારાપુર-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આઈશર ચાલકનું મોત

તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર કસ્બારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુપી-ઝારખંડ ઢાબા પાસે ઉભેલી ટ્રકને પાછળથી આઈશરે ટક્કર મારતા આઈશર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. દોઢ કલાકની જહેમત બાદ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. તારાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મધ્યપ્રદેશના રહેવાસી સંતકુમાર નારાયણસિંહ તોમર પોતાની ટ્રક (નંબર GJ 27 TG 2130) માં ભરૂચની ગ્રાસીમ કંપનીમાં મીઠું ખાલી કરીને મોરબી જવા નીકળ્યા હતા. રાત્રિના લગભગ સાડા નવેક વાગ્યે તેઓ કસ્બારા ગામ નજીક આવેલા યુપી-ઝારખંડ ઢાબા પર ચા પીવા માટે રોકાયા હતા. તેમણે પોતાની ટ્રક આગળ ઉભેલી અન્ય એક ટ્રકની પાછળ પાર્ક કરી હતી.

સંતકુમાર ચા પીને પરત ફર્યા અને ટ્રક ચાલુ કરી રહ્યા હતા, તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી આઈશર ગાડી (નંબર GJ 03 BW 4459) તેમની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સંતકુમારની ટ્રક પણ આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ આઈશરનો ચાલક તેની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. દોઢ કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા ચાલકને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને જમણા પગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી નીકળી રહ્યું હતું. તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

તારાપુર પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરતા મૃતક ચાલકની ઓળખ રાજકોટ નજીકના એક ગામના ભરતભાઈ ઝલુ તરીકે થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement