તારાપુર તાલુકાના સાંઠ ગામમાં આવેલી એક ડેરીમાં ગત 8મી તારીખની રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો ડેરીમાંથી આશરે 20 હજાર રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીની વિગતો અનુસાર, તારાપુર-ખંભાત હાઈવે પર આવેલી પતરાની કેબિનવાળી આ ડેરીમાં 8મી તારીખની રાત્રિના સમયે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. તેમણે ડેરીનું પતરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરો ડેરીમાંથી મોનીટર અને પાવતી કાઢવાનું પ્રિન્ટર સહિત કુલ 20 હજાર રૂપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સુરેશભાઈ વિક્રમભાઈ ભરવાડે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.