ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ગોમતીઘાટ વિસ્તારમાં અચાનક આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોમતી પર આખલાઓ એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા હતા, જેના કારણે ત્યાં હાજર ભક્તો અને સ્થાનિકોમાં દોડધામ સર્જાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આખલાઓ વચ્ચેનું આ યુદ્ધ ગોમતીઘાટ સુધી સીમિત ન રહેતાં યુદ્ધ કરતા કરતા આખલા બજાર વિસ્તારમાં પહોંચી ગયા, જેના કારણે સમગ્ર બજારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. હજારોની સંખ્યામાં દર્શનાર્થે આવેલા ભક્તોનો જીવ તાળવે ચોંટ્યો હતો અને અનેક લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.
ડાકોરમાં અવારનવાર રખડતા ઢોરોના આતંકની ફરિયાદો સામે આવતી રહી છે, છતાં પણ નગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી ન થવાને કારણે આજે આવી ગંભીર ઘટના સર્જાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણે લેવી—તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે. યાત્રાધામ જેવી ભીડભાડવાળી જગ્યાએ રખડતા ઢોરોને કાબૂમાં લેવા તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
ઘટનાની જાણ થતા સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા કેટલી અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.