Advertisement

ડાકોરમાં ‘જય રણછોડ’ના ગુંજતા નાદ વચ્ચે ફાગણી પૂનમે ભક્તિનો મહાઉમંગ, નવરંગ શણગારમાં ઝળહળ્યા ઠાકોરજી

ડાકોરમાં ‘જય રણછોડ’ના ગુંજતા નાદ વચ્ચે ફાગણી પૂનમે ભક્તિનો મહાઉમંગ, નવરંગ શણગારમાં ઝળહળ્યા ઠાકોરજી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈ સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. રણછોડરાયજીના મંદિરમાં સેવકભાઈઓએ ઠાકોરજી સાથે નવરંગ ગુલાલથી હોળી રમી ભક્તોને ભક્તિના રંગે રંગી દીધા હતા. ‘જય રણછોડ’ના ગુંજતા નાદ સાથે ડાકોર ભક્તિ અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ ગયું છે.


રવિવારે રેન્જ આઈજી સાથે ખેડા જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, એલસીબી અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ડાકોર પહોંચ્યા હતા. અધિકારીઓએ ઠાકોરજીના દર્શન કર્યા બાદ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરક્ષાના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.


સાંસ્કૃતિક માહોલને વધુ રોમાંચક બનાવવા રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ તથા ખેડા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દિગ્ગજ કલાકારોના કાર્યક્રમો યોજાયા હતા. ‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે’ અને ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ’ જેવા ભક્તિગીતોએ પદયાત્રીઓનો માર્ગનો થાક ઉતારી દીધો હતો. અમદાવાદ અને મુંબઈ સહિત વિવિધ શહેરોમાંથી પદયાત્રીઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. મુંબઈથી આવેલા એક નવયુવાને ઘૂંટણિયે ચાલીને રણછોડરાયજીના ચરણે શીશ ઝુકાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.


આ વર્ષે બોર્ડની પરીક્ષાઓને કારણે ગત વર્ષની સરખામણીએ ભીડમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં રવિવાર સુધીમાં એક લાખથી વધુ ભક્તો દર્શન કરી ચૂક્યા છે. મંદિર કમિટીએ દર્શન સમય વધારતા ભક્તોને સરળતાથી લાભ મળી રહ્યો છે, જ્યારે પદયાત્રીઓ માટે ઠેર-ઠેર ભંડારા અને વિસામાની સુવિધા ગોઠવાઈ છે.


યાત્રાધામમાં ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ફૂડ સેફ્ટી વિભાગ પણ સતત સતર્ક રહ્યો છે. ૨૧થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રસાદની ૩૭ પેઢીઓમાં તપાસ કરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ રૂટ પર ૬૦ જેટલા સેવા કેમ્પોની તપાસ કરી ૧૦,૦૦૦થી વધુ પદયાત્રીઓને ફૂડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા છે. ભક્તિ, સુરક્ષા અને સુવ્યવસ્થાના સંગમ સાથે ડાકોરમાં ફાગણી પૂનમનો મહામેળો ઉજવણીના શિખરે પહોંચી રહ્યો છે.

Advertisement