ઝારોલા બ્રિજ બન્યો પણ પ્રકાશ વિહોણો, રાત્રિ મુસાફરો માટે જોખમભરી સ્થિતિ
બોરસદ તાલુકાના ઝારોલા ગામ પાસે નિર્માણ થયેલ રેલ્વે ઓવર બ્રિજનુ આણંદ જિલ્લા પ્રભારી મંત્રી રૂષિકેશ પટેલ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ઓવરબ્રિજનો લાભ મળતાં બોરસદ તાલુકાના મોટાભાગના ગામોમાં અને કાંઠા વિસ્તારમાં સહિત રાસ ધુવારણ તરફ આવતા જતા તમામ માટે ખુબ જ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. પરંતુ નવા બ્રિજ પર ક્યાંય પણ લાઈટ વ્યવસ્થા ના હોવાથી પંથકમાં ભારે અચરજ સાથે અકસ્માત થવાની દહેશત પ્રવર્તી રહી છે.આ માટે ઘણા સમયથી રજૂઆત કરવામા આવેલ છે . જેથી ઝારોલાના ઓવરબ્રિજ પર વહેલી તકે લાઈટ વ્યવસ્થા શરૂ થાય તે માટે ઉગ્ર માંગ ઉઠી છે.
વાહનચાલકોમાં ભીતિ અનુભવાઈ રહી છે કે ઓવરબ્રિજ પર અંધારું હોવાથી ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ક્યારેક આકસ્મિક સંજોગોમાં એક સાથે મોટીસંખ્યામાં પસાર થતા વાહનો ખુબ જ વિકટ પરિસ્થિતિમાં જોખમી હાલતનો ભોગ બની જાય તો મોટી જાનહાનિ થવાની પણ સંભાવના વધવા લાગી છે.
બોરસદ પંથકના વાહનચાલકો સહિત વિવિધ ગામોના નાગરિકોએ દ્વારા માંગ કરવામાં આવી છે કે સંબંધિત વિભાગો સહિત વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે જનતાના હિતમાં લાઈટ વ્યવસ્થા માટે કાર્યવાહી કરવાની જરૂરીયાત ઉભી થયેલી છે. જનતાના લોકપ્રતિનિધિઓ જનતાની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગ દ્વારા લાઈટ વ્યવસ્થા કરી આપે તો ઘણી જ રાહત થાય તેમ છે.તેમજ વાહનચાલકોને હાલમાં વેઠવી પડતી હાડમારીઓમાંથી મુક્તિ મળે તેમ છે