ગિરનારની પાવન ગોદમાં આવેલ જૂનાગઢ ખાતે યોજાતો વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો આ વર્ષે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળો માત્ર ધાર્મિક આસ્થા સુધી સીમિત નહીં રહે, પરંતુ ભવ્ય આયોજન, આધુનિક સુવિધાઓ અને અનોખા આકર્ષણો સાથે ‘મિની કુંભ’ જેવો માહોલ સર્જશે.
તાજેતરમાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં મહાશિવરાત્રી મેળાના આયોજનને આખરી મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં મેળાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રથમવાર સંતોની ભવ્ય નગરયાત્રા
આ વર્ષનું સૌથી મોટું આકર્ષણ 11 ફેબ્રુઆરીએ યોજાનારી સાધુ-સંતોની નગરયાત્રા રહેશે. નાગા સાધુઓ સહિત દેશભરના સાધુ-સંતોના આગમન પ્રસંગે તેમના સ્વાગત માટે પ્રથમવાર અલૌકિક નગરયાત્રાનું આયોજન કરાયું છે, જે ભક્તો માટે અવિસ્મરણીય અનુભવ બનશે.
રૂટમાં વધારો અને શિવ થીમ પર સજાવટ
શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રવેડી રૂટ 1.5 કિ.મી.થી વધારીને 2 કિ.મી. કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તો નાગા સાધુઓના દર્શન કરી શકે. ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટને ભગવાન ભોલેનાથની થીમ પર શણગારવામાં આવશે તેમજ આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ પણ ઊભા કરાશે.
લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા
જે ભક્તો રૂબરૂ હાજર રહી શકશે નહીં, તેમના માટે શાહી સ્નાન સહિતના મહત્વના પ્રસંગોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જેથી દેશ-વિદેશમાં બેઠેલા શિવભક્તો પણ આ દિવ્ય ક્ષણોના સાક્ષી બની શકે.
ચુસ્ત સુરક્ષા અને સુવિધાઓ
લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. પોલીસ ફોર્સ 1600 થી વધારીને 2900થી વધુ જવાનો તૈનાત કરાશે. પ્રથમવાર 1000થી વધુ સ્થાનિક યુવાનોને સ્વયંસેવક તરીકે જોડવામાં આવશે. સમગ્ર મેળા વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે.
ભોજન, રહેઠાણ અને સેવાકીય વ્યવસ્થા
300થી વધુ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. ભક્તો માટે ડોરમેટરી અને ઉતારા જેવી વિશેષ રહેઠાણ સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
ટ્રાફિક અને વાહન વ્યવસ્થા
મેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ અને સોમનાથ હાઈવે પર ખાસ પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે. ત્યાંથી ભવનાથ સુધી શટલ બસ સેવા ઉપલબ્ધ રહેશે. રેલવે અને એસ.ટી. નિગમ દ્વારા વધારાની સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડાવવાની પણ તૈયારી કરવામાં આવી છે, જેની સત્તાવાર માહિતી ટૂંક સમયમાં જાહેર થશે.
ભવનાથના આંગણે યોજાતો આ ભક્તિનો મહાપર્વ દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો મહાસંગમ બનશે. વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરે અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.