જલારામ બાપાની 226મી જન્મજયંતિ પ્રસંગે આણંદમાં ભક્તિનો માહોલ છવાયો
આણંદ સહિત જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં આવેલા જલારામ મંદિરોમાં કારતક સુદ સાતમના દિવસે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું આયોજન કરાયું છે. હજારો ભક્તોએ આ પવિત્ર દિવસે જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતી હોવાથી આણંદ શહેરમાં આવેલા જલારામ મંદિરમાં સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ કતારમાં ઊભા રહીને જલારામ બાપાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા.
જલારામ જયંતીના પાવન અવસરે આણંદ સ્થિત જલારામ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં ભજન-કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દર્શનાર્થે આવતા તમામ ભક્તોને બુંદી-ગાંઠિયાનો પ્રસાદ તેમજ વિવિધ પ્રકારના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંત અને સેવાભાવી જલારામ બાપાની આજે કારતક સુદ સાતમના દિવસે 226મી જન્મજયંતી છે. સંત જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો.