જગન્નાથજી શુક્રવારે રંગેચંગે નગરચર્યાએ નિકળશે
ધર્મ અને આસ્થાના પ્રતિક સમા ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા આગામી 27 જૂન, 2025 ના રોજ અમદાવાદ શહેરમાં પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે નીકળશે. દેશભરમાં બીજા નંબરની સૌથી મોટી ગણાતી આ રથયાત્રાને લઈને અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રથયાત્રાના સ્વરૂપ અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી, જેમાં રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે સાદગીપૂર્ણ રીતે યોજાશે તેવી વાતો વહેતી થઈ હતી. જોકે, જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ તમામ અટકળોને રદિયો આપી, રથયાત્રા દર વર્ષની જેમ જ પરંપરાગત રીતે યોજાશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
અટકળોનો અંત: સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે સુમેળભર્યો નિર્ણય
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, મહેન્દ્ર ઝાએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની યાત્રા સાદગીપૂર્ણ રીતે થવાની વાત હતી તે કોઈ વાતમાં તથ્ય નથી. રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રથયાત્રાના આયોજન, પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સહિતના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે કે, મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે જ મુજબની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને તે જ રીતે રથયાત્રા નીકળશે.
અખાડા, ભજન મંડળીઓ અને શણગારેલી ટ્રકો જોડાશે
આ જાહેરાતથી ભક્તોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. પરંપરાગત રથયાત્રામાં અખાડા, ભજન મંડળીઓ, રાસ મંડળીઓ અને આકર્ષક રીતે શણગારેલી ટ્રકો સહિતના ઘટકો સામેલ થશે, જે રથયાત્રાના ભક્તિમય માહોલને વધુ દિવ્ય બનાવશે. આ ભવ્ય શોભાયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડશે તેવી અપેક્ષા છે, જે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રથયાત્રાના રૂટ પર સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રા પૂર્વેના મહત્વના ગણાતા મામેરા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ આગામી રવિવાર, 22 જૂન, 2025 ના રોજ સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી મામેરાના દર્શનનો લાભ લઈ શકશે.
સામાન્ય રીતે મામેરા દર્શનનો સમય મર્યાદિત હોય છે, પરંતુ આ વર્ષે ભક્તોને વધુ સમય માટે દર્શન સુલભ બને તે હેતુથી સમય લંબાવવાનો નિર્ણય લેવાયો છે. રથયાત્રાના એક દિવસ પહેલા યોજાતા મામેરા દર્શનનું અનેરું મહત્વ છે, જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ માટે તૈયાર થયેલાં વસ્ત્રો અને આભૂષણો સહિતની સામગ્રીના દર્શન કરાવવામાં આવે છે.
આ ફેરફારથી મોટી સંખ્યામાં ભક્તો મામેરા દર્શનનો લાભ લઈ શકશે અને રથયાત્રાના પવિત્ર અવસર પહેલા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશે.