જગન્નાથજીનું એક એવું મંદિર, જેની સાથે જોડાયેલા રહસ્યોની આજેય વિશ્વભરમાં કરાય છે ચર્ચા
ઓડિશાના પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર હિન્દુ ધર્મના ચાર ધામોમાંનું એક ગણાય છે. આ મંદિરની ખ્યાતિ એટલી છે કે અહીં માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ હજારો શ્રદ્ધાળુ દર વર્ષે દર્શન માટે આવે છે. 12મી સદીમાં ગંગા વંશના રાજા અનંતવર્મન ચોડગંગાએ ભગવાન જગન્નાથના સ્વપ્ન દર્શન પછી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરના મુખ્ય દેવીદેવતાઓમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડામાં બનાવેલી મૂર્તિઓ છે, જે એકદમ અનોખી માનવામાં આવે છે.
આ મંદિરના ઇતિહાસમાં ઘણા વખત લૂંટ અને હુમલાઓ થયા પરંતુ આશ્ચર્યજનક રીતે હંમેશા મૂર્તિઓ બચી રહે છે. આ હુમલાઓ બાદ મંદિરમાં વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં ઓડિશા સરકારે મંદિરના તમામ ચાર દરવાજા દર્શન માટે ફરીથી ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે, જે ભક્તો માટે ખૂબ આનંદદાયક છે.
જગન્નાથ મંદિરની કેટલીક રહસ્યમય વાતો પણ છે. લોકવિશ્વાસ અનુસાર, ભગવાન કૃષ્ણએ પોતાનું શરીર અહીં ત્યજી દીધું હતું. તેમનું હૃદય ભૌતિક રૂપે મંદિરમાં હાલની લાકડાની મૂર્તિમાં સ્થાપિત છે અને એવું માનવામાં આવે છે કે આજે પણ તે ધબકતું રહે છે. ભગવાનના દર્શન કરવા આવેલા ભક્તો કહે છે કે મંદિરના મુખ્ય દરવાજા સુધી આવતા-આવતાં સમુદ્રના મોજાઓનો અવાજ સાંભળાય છે પણ મંદિરના પ્રવેશદ્વારમાં પગ મૂકતાની સાથે જ આ અવાજ અચાનક બંધ થઈ જાય છે.
આમ તો પવન સદાય એક દિશામાં વહી રહ્યો હોય છે, પરંતુ મંદિરના શિખર પર લાગેલ ધ્વજ હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. ખાસ વાત એ છે કે દરરોજ આ ધ્વજ બદલવામાં આવે છે અને એવી માન્યતા છે કે જો એક દિવસ પણ ધ્વજ બદલવામાં ન આવે તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ શકે છે. મંદિરના રસોડાનું રહસ્ય પણ અનોખું છે. અહીં સાત માટીના વાસણોમાં પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને તે એકના ઉપર એક ગોઠવાય છે. ચમત્કારિક રીતે, પ્રસાદ શરુઆત સાતમા વાસણથી રાંધાવા લાગે છે અને પછી ક્રમશઃ નીચેના વાસણોમાં પકવાય છે.
દર 12 વર્ષે ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિઓ બદલવામાં આવે છે. આ વિધિ દરમિયાન વીજળી પણ બંધ કરવામાં આવે છે અને ખુબ ગુપ્ત રીતથી ‘બ્રહ્મ પદાર્થ’ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાંતરિત કરવામાં આવે છે. કોઇને આજે સુધી ખબર નથી પડી કે આ બ્રહ્મ પદાર્થ શું છે. આ મંદિરમાં પ્રવેશ માટે પણ ખાસ નિયમો છે. ફક્ત સનાતન હિન્દુઓને જ અહીં પ્રવેશ કરવાની મંજૂરી છે. એના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જગન્નાથ મંદિર માત્ર આસ્થાનું નહીં, પણ આશ્ચર્યજનક રહસ્યો અને વિશ્વાસોથી ભરેલું ઐતિહાસિક સ્થાન છે, જ્યાં ભક્તિ અને અદ્દભૂત શ્રદ્ધાની અનુભૂતિ થાય છે.