ચાવડાપુરા ફ્લેટમાં શોર્ટસર્કિટ આગ, ફાયર ટીમે મોટી જાનહાનિ ટાળી
આણંદ-જીટોડિયા રોડ પર આવેલા ચાવડાપુરા વિસ્તારના મોટા લક્ષ્મી હેરિટેજ ફ્લેટમાં ગત રાત્રિના સમયે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રિના સમયે આગ લાગતા ફ્લેટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના અંગે તુરંત કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર અધિકારી ધર્મેશ ગોરે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી હતી. તેમની સૂચના મુજબ, ફાયર ડ્રાઇવર રવિ સાબલિયા, લીડિંગ ફાયરમેન ભાવેશ વરુ, તેમજ ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ અને હિતેન્દ્ર મહીડા સહિતની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગને વધુ ફેલાતી અટકાવવા માટે ઝડપથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું.
ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તારણ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.