Advertisement

ચરોતરથી સમગ્ર ગુજરાત: પેટ્રોલપંપ વેટ પ્રોસેસ ધીમી, વેપારીઓ પરેશાન

ચરોતરથી સમગ્ર ગુજરાત: પેટ્રોલપંપ વેટ પ્રોસેસ ધીમી, વેપારીઓ પરેશાન

ચરોતર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પેટ્રોલપંપની શરૂઆત માટે જરૂરી વેટ રજિસ્ટ્રેશન મેળવવાનું હોય છે. જીએસટી રજિસ્ટ્રેશન કલાકોમાં મળતું હોવા છતાં, પેટ્રોલપંપ માટેની વેટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા છેલ્લાં કેટલાંય સમયથી અત્યંત ધીમી અને કાગળકામ આધારિત બની રહી છે. વેટ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજીઓ સમયસર પ્રક્રિયામાં આવતી નથી. એકથી બે મહિના સુધી ફાઈલ પેન્ડિંગ રહેતી હોવાના બનાવો બની રહ્યા હોવાનો કચવાટ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદની આશ્રમ રોડ સ્થિત કચેરીમાંથી સમગ્ર રાજ્યમાંથી આવતી અરજીઓનું નિકાલ કરાતો હોય છે.

પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મીઓ જેની અરજીઓ ફિઝિકલ આવે તેમની જ અરજીઓ ધ્યાને લે છે. સરકાર ડિજીટલના બળગાં ફૂંકે છે, પરંતુ કચેરી દ્વારા ડિજીટલ સિસ્ટમ અપનાવવામાં હજુ વાંધો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન અરજીઓ પર સામાન્ય સ્ટીરિયોટાઇપ ડેફિસિયન્સી નોટિસો આપવી અને અરજીઓને લંબાવી રાખવાની ફરિયાદો વધી રહી છે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં જ માત્ર કચેરી આવેલી હોય અને ત્યાંથી જ વેટ નંબર ફાળવવામાં આવતો હોય વેટ નંબર મેળવવામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ વેટ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ઘણીવાર યોગ્ય રીતે કામ કરતી નથી જેના કારણે વેપારીઓને ફોર્મ સબમિટ કરવામાં, રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તેમજ રિટર્ન ફાઈલિંગમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. વધુમાં, જો વેપારી દ્વારા ભૂલથી ખોટી કોમોડિટી સિલેક્ટ થઈ જાય, તો સિસ્ટમમાં સુધારણીય વિકલ્પ ન હોઈ વેપારીઓ રિટર્ન પણ ફાઈલ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં વેટ વિભાગની તકનીકી ખામીઓ દૂર કરી વેપારીઓને રાહત મળે તે માટે તાત્કાલિક પગલા લેવાં હિતાવહ છે.

Advertisement