Advertisement

ચરોતર વિસ્તારમાં વાદળછાયા વાતાવરણની અસર: ઠંડીમાં આગામી 5 દિવસ રાહત

ચરોતર વિસ્તારમાં વાદળછાયા વાતાવરણની અસર: ઠંડીમાં આગામી 5 દિવસ રાહત

આણંદ અને ખેડા જિલ્લામાં શુક્રવાર સવારથી આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુધી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ રહી છે.


લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં અંદાજે 4 ડિગ્રી વધુ નોંધાતા ઠંડીની તીવ્રતા ઘટી હોવાનું જોવા મળ્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ આણંદ શહેરનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા જેટલું નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 3.8 કિ.મી. રહી હતી.


વિભાગના જણાવ્યા અનુસાર આખા સપ્તાહ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. પવન મુખ્યત્વે ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે અને તેની ઝડપ 5 થી 15 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


વાદળછાયા વાતાવરણ અને ઉંચા તાપમાનના કારણે ખેતી તથા દૈનિક જીવન પર મિશ્ર અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી પર નજર રાખવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement