ગોલ્ડમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી : આણંદના ઠગો ચઢ્યા પોલીસના હાથે!
ભાવનગરના ટ્રાન્સપોર્ટના વેપારીને ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાનું કહીને અડધાથી 1 ટકા સુધીનો પ્રોફિટ મળશે તેમ જણાવી રૂપિયા 1.10 કરોડની ઠગાઈ આચરનારા આણંદના ત્રણ શખસોને ભાવનગર પોલીસ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી હકીકત એવી સામે આવી છે કે, ત્રણેય શખસ દ્વારા ખાતા ખોલાવ્યા બાદ ખાતાધારકને બેથી પાંચ હજાર રૂપિયા આપ્યા બાદ તેઓ દ્વારા સ્કેમર્સ પાસેથી એક બેન્ક ખાતા દીઠ રૂપિયા 75થી 1 લાખ રૂપિયા પડાવતા હતા. ગત ઓગસ્ટ માસથી ત્રણેય શખસ આણંદ શહેરમાં સક્રિય હતા અને ગ્રામ્ય વિસ્તારના, બેંકનું ઓછું જ્ઞાન ધરાવતા હોય તેમને જ નિશાન બનાવતા હતા. હાલમાં ત્રણેયના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા છે.
આ અંગે વાત કરતા ભાવનગર સાઈબર ક્રાઈમ સેલના પીઆઈ દિપકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપેલા ત્રણ શખસ અાણંદના હાડગુડ પાસે રહેતો જાબીરહુસૈન જાકીરહુસૈન મલેક, પેટલાદના રાવલીનો સમીરમીંયા સીદીકમીંયા મલેક અને કણજરીના અફઝલ યાસીન વ્હોરાને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ત્રણેય શખસ એકબીજાના મિત્રો થાય છે અને કપડાંની ફેરી ફરવી, તેમજ મજૂરીકામ કરવા સહિતના નાના-મોટા કામ કરે છે. તેઓ દ્વારા આણંદના ગ્રામ્ય વિસ્તારમાં ફરીને અલગ-અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખોલીને સરકારી કે પછી ખાનગી સહાય આપવાની વાત કરીને તેમના બેન્ક એકાઉન્ટ ખોલ્યા હતા. મોટાભાગે તેઓ બેન્ક એકાઉન્ટ ખોલાવતાની સાથે જ જે તે ખાતાધારકને બેથી 5 હજાર રૂપિયા આપીને પછી જ્યારે પણ બેંક એકાઉન્ટમાં પૈસા આવે ત્યારે તે પૈસા તેમને પરત આપવાની વાત કરતા હતા.
આ ઉપરાંત, બેંક દ્વારા ફાળવવામાં આવતી પાસબુક, ચેકબુક સહિતની કીટ પણ ખોલ્યા વિના જ તેમને આપવાનું કહેવામાં આવતું હતું. સમગ્ર ફ્રોડથી અજાણ મોટાભાગના લોકો તેમને આ કીટ આપી દેતા હતા. નોંધનીય છે કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કણજરીનો અફઝલ યાસીન વ્હોરા, મહારાષ્ટ્રના મુંબઈ, ખંડાલા ખાતે ગયો હતો, જ્યાં તેણે સ્કેમર્સને કીટ આપી હતી. કીટના બદલામાં સ્કેમર્સ પાસેથી તેને રૂપિયા 75 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધી આપવામાં આવ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં કબુલ્યું હતું.
ચાની લારી પર બેસીને ખાતું ભાડે આપવાની વાત કરી ગરીબ લોકોને લલચાવતા હતા
ત્રણેય શખસ મોટાભાગે ચાની ટપરી સહિતના જાહેર જગ્યાઓ હોય ત્યાં વાતોએ વળગતા હતા. તેઓ એકબીજા સાથે બેંક ખાતું ભાડે આપવાની વાત કરી તેના બદલામાં બેથી 5 હજાર રૂપિયા આપવાની વાતો કરતા હતા. મોટાભાગે ત્રણેય શખસ જે લોકો નિયમિત બેંકમાં ન જતા હોય, પાસબુકમાં એન્ટ્રી ન કરાવતા હોય, બેંક ખાતા વિશે જ્ઞાન ન ધરાવતા હોય તેવા લોકોને જ લાલચ આપતા હતા. તેમની જાળમાં ફસાયેલા લોકો પાસેથી તેઓ ગમે તે રીતે આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ મેળવી લેતા અને એ પછી તેમનું બેંક ખાતું ખોલાવી લેતા હતા. બેથી 5 હજાર રૂપિયાની લાલચમાં ફસાયેલા ખાતેદારના બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહાર થતા હોય છે ત્યારે તેનાથી તે અજાણ હોય છે.