વડોદરા શહેરમાં પોલીસે ફરી એક વખત દારૂના ગેરકાયદેસર ધંધા પર મોટી કાર્યવાહી કરી છે.
હરણી પોલીસે ગોલ્ડન ચોકડી નજીક સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતી ગેંગ પર મોડી રાત્રે છાપો મારી મોટી ખેપ ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ દેણા અને ગોલ્ડન બ્રિજ વચ્ચે આવેલા સર્વિસ રોડ પર એક કન્ટેનરમાંથી પીકઅપ વાનમાં દારૂ ઉતારી કટીંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પોલીસ પહોંચી જતાં ચાર ખેપિયા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસએ આસિફ ઝુબેર ખાન અને હામિદ હુસેન દિન મોહમ્મદ (બંને હરિયાણા નિવાસી), અજમલ હસન પઠાણ (ચિસ્તિયાનગર, નવા યાર્ડ છાણી રોડ, વડોદરા) તેમજ અતિ અહેમદ પઠાણ (આર્ય હાઈટ્સ, ગોરવા)ને પકડી પાડ્યા છે, જ્યારે સુનિલ ચૌધરી નામનો એક શખ્સ હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલો અને બીયર મળી કુલ 4498 બોટલો, અંદાજે 23 લાખ રૂપિયાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. સાથે જ કન્ટેનર અને પીકઅપ વાન સહિત કુલ આશરે 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં વડોદરા પોલીસે દારૂના ગેરકાયદેસર વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરી છે અને છેલ્લા છ મહિનામાં જ અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.
ગોલ્ડન બ્રિજ પાસે દારૂની મોટી હેરફેરનો પર્દાફાશ: 23 લાખનો જથ્થો જપ્ત, 4 ખેપિયા ઝડપાયા