અમદાવાદ: ગુજરાતમાં હવે સ્વેટર અને જેકેટ કબાટમાં મૂકવાનો સમય આવી ગયો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ઠંડીનું જોર ધીમે-ધીમે ઘટતા હવે રાજ્યમાં ક્રમશઃ ગરમીની શરૂઆત થશે.
તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર
રાજ્યમાં અત્યારથી જ ગરમીનો પારો ચઢવા લાગ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ડીસામાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં હળવી ઠંડી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બેવડી ઋતુ અને પવનોની દિશામાં ફેરફાર
આગામી બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. વહેલી સવારે સામાન્ય ગુલાબી ઠંડી અને બપોરે આકરો તડકો જોવા મળી શકે છે. લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકોએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગરમી વધારવામાં ભાગ ભજવશે.
ઉનાળાનું વહેલું આગમન?
રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં થઈ રહેલો આ વધારો ઉનાળાના વહેલા આગમનના સંકેત આપી રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ગરમીનું જોર હજુ વધવાની શક્યતા છે, જેને પગલે આરોગ્ય પર પણ અસર થઈ શકે છે.