ગુજરાતમાં દિવસેને દિવસે જાહેરમાં હત્યા અને ગોળીબાર જેવી ઘટનાઓ સામાન્ય બની
ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જાહેરમાં હત્યા અને ગોળીબાર જેવી ઘટનાઓ રાજ્યમાં જાણે સામાન્ય બનતી જઈ રહી છે. આવી જ એક ઘટના પટવા શેરી વિસ્તારમાં બની હતી. શુક્રવારે (11 જુલાઈ) મોડીરાત્રે આ ઈટાલિયન બેકરી દ્વારા ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોને ગોળી વાગી હતી. ત્યારબાદ બંનેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શું હતી ઘટના?
શુક્રવારે (11 જુલાઈ) મોડી રાત્રે પટવા શેરી વિસ્તારમાં ઈટાલિયન બેકરી પાસે ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકોને ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ, રિયલ એસ્ટેટ સેક્ટર સાથે કથિત રીતે સંકળાયેલા ભાગીદારો ઝહુરુદ્દીન નાગોરી અને નઝીરખાન પઠાણ વચ્ચેના પૈસાની લેતી-દેતીને લઈને થયેલી ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં આ વિવાદ હિંસક બની ગયો અને આરોપીએ ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો. જેમાં નઝીરખાન પઠાણ તેમજ ત્યાંથી પસાર થતા એક રાહદારીને ગોળી વાગી હતી. ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નાણાંકીય વિવાદના કારણે કર્યો હુમલો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પ્રાથમિક ધોરણે આ વિવાદ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં નફાની વહેંચણી અને બાકી લેણાં અંગે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોને કારણે ઊભો થયો હતો. ઝઘડો ત્યારે વકર્યો જ્યારે આરોપીએ કથિત રીતે હથિયાર કાઢીને ઝઘડાના સ્થળે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે, ઘટનાની જાણ થતાં તુરંત જ કારંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બેરિકેડ લગાવીને આખોય વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, તપાસ માટે આજુબાજુના સીસીટીવી કેમેરાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ મામલે, આરોપી સામે ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી ઝહુરુદ્દીન નાગોરીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.