ગુજરાતમાં કોરોનાનો આંકડો 9 પર પહોંચ્યો, સોલા સિવિલમાં 20 વર્ષની યુવતીની સારવાર
ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતાં આંકડો 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. કોરોનાને લઇ સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, સાથે કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર કરાયાં છે.
કોરોના સામે લડવા હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઇ આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
અમદાવાદમાં કોરોનાના 8 કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.