ગટરથી ત્રસ્ત જનતા ફાટી પડી! મનપા કચેરીએ ગંદુ પાણી ઢોળી બંગડીઓ ફેંકી વિરોધ
આણંદના પધારિયા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ લોકોએ ડેપ્યુટી કમિશનરની કેબિન બહાર ગટરનું ગંદુ પાણી ઢોળ્યું હતું તેમજ તેમના ટેબલ પર બંગડીઓ ફેંકી હતી.
પધારિયા વિસ્તારની આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં લાંબા સમયથી ગટર ભરાઈ જવાની સમસ્યા છે. આ અંગે સ્થાનિકોએ મનપા કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલાં પધારિયા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવામાં આવી હતી. જોકે, આ લાઇન યોગ્ય સર્વે અને આયોજનના અભાવે બનાવવામાં આવી હોવાથી વારંવાર ગટર ઉભરાય છે. ગટરનું ગંદુ પાણી ઉભરાવાને કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી પરેશાન છે. આનાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ફેલાવવાનો ભય રહેલો છે, જે બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
સ્થાનિકોએ આવેદનપત્ર દ્વારા માંગ કરી છે કે, આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીની સમગ્ર ગટર લાઈનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય આયોજન સાથે નવી ગટર લાઇનનું પુનઃનિર્માણ કરવામાં આવે અને પાણી ઉભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. ઉપરાંત, સ્વચ્છતા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
અમારી સોસાયટીમાં 7 વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા- સ્થાનિક
સ્થાનિક અંજનાબેન જણાવે છે કે, અમારા વિસ્તારમાં ગટરની સુવિધા તો છે પણ છેલ્લાં 7 વર્ષથી આ ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે. જેથી અમને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. આ અંગે અમે વારંવાર મનપા કચેરીમાં રજૂઆતો કરી છે પરંતુ, આજદિન સુધી તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ અમારી સોસાયટીમાં ફરક્યાં જ નથી. પરમ દિવસે અમારી સોસાયટીમાં એક માજી ગુજરી ગયાં હતાં, દરમિયાન ડેડબોડી લઈ જવા માટે અમારે ત્રણ ટ્રેકટર માટી નંખાવવી પડી, જ્યાં ગટરનું છેલ્લું કનેક્શન છે ત્યાં આઉટલેટ છે જ નહીં.
ડે.કમિશનર ના સ્ટાફના માણસોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું- હર્ષિલ દવે
સામાજીક કાર્યકર હર્ષિલ દવે જણાવે છે કે, આ સત્તાધીશો જાડી ચામડીના થઈ ગયાં છે. અમે આજે રજૂઆત કરવા ગયાં તો ડે.કમિશનરના સ્ટાફના માણસોએ અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. માટે અમે ડે.કમિશનરની કચેરીની બહાર ગટરનું પાણી ઢોળી, તેમજ ડે.કમિશનરને બંગડીઓ આપી વિરોધ નોંધાવ્યો હતો. આવનાર દિવસોમાં જો ગટરનું પાણી ઉભરાતું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.