ખેડા એસઓજીની મોટી કાર્યવાહી: ગાંજાના જથ્થા સાથે દુકાનમાલિક ઝડપાયો
ખેડા એસઓજી પોલીસે ગઈકાલે બપોરના સુમારે કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ચા-પાનની દુકાનમાં છાપો મારીને ૨.૧૮૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દુકાનના માલિકને ઝડપી પાડીને તેના વિરૂધ્ધ એડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આંતરસુબા પોલીસના હવાલે કરવામાં આવી છે. જ્યાં તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતીકે, ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે આવેલી શીવાનંદની ટેકરી, કામેશ્વર મંદિરની ધર્મશાળાના આગળના ભાગે આવેલી એક ચા-પાનની પતરાના શેડવાળી દુકાનમાં નશીલા પદાર્થ ગાંજાનું છુટકમાં વેચાણ થાય છે. જેથી પીઆઈ ડી. એન. ચુડાસમાં તેમજ સ્ટાફના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને ચન્દ્રકાન્ત કિરપાશંકર સેવક (રે. ઉત્કંઠેશ્વર)ને ઝડપી પાડીને તપાસ કરતા ખાટલાની નીચેથી એક થેલો મળી આવ્યો હતો.
જેમાં તપાસ કરતા એક ઝભલુ મળ્યું હતુ. તેને ખોલીને જોતા ભેજયુક્ત વજનસ્પતિજન્ય ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેથી પકડાયેલો પદાર્થ ગાંજો જ છે કે કેમ તેની ખાતરી કરવા માટે એફએસએલને જાણ કરતા તેઓ નાર્કોકીટ સાથે આવી પહોંચ્યા હતા. અને પકડાયેલો પદાર્થ ગાંજો જ હોવાની પુષ્ટી કરી હતી. પોલીસે તેનું વજન કરતા કુલ ૨.૧૮૦ કિલોગ્રામ ગાંજો થયો હતો. જેની કિંમત૨૧૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા ચન્દ્રકાન્ત સેવકની અંગજડતીમાંથી એક મોબાઈલ ફોન, રોકડા ૧૧૫૦, ઉપરાંત વજનકાંટો સહિતની વસ્તુઓ મળીને કુલ ૨૮૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ અંગે આંતરસુબા પોલીસ મથકે એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને પ્રાથમિક પુછપરછ કરતાં ઉક્ત ગાંજાનો જથ્થો તે ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના સમી ગામે રહેતા સુરજસિંહ શંકરસિંહ ચાવડા પાસેથી વેચાણ કરવાના ઈરાદે લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સુરજસિંહને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.