ખંભાત-તારાપુરમાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશીની લહેર
આણંદ : ખંભાત તારાપુર અને સોજીત્રાના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થતા ડાંગરનું ધરુવાડિયું બનાવવાનું કામ ખેડૂતોએ શરુ કરી દીધું છે. ગઈકાલે રાત્રીના સુમારે ફરી એકવાર મેઘમહેર થવાની સાથે જ સોજીત્રા, તારાપુર અને ખંભાત તાલુકામાં સવાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. દિવસભરના ઉકળાટ બાદ રાત્રીના દશ વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી વરસાદ થવાથી સમગ્ર ભાલ પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
આણંદ જિલ્લામાં ખંભાત તારાપુર અને સોજીત્રાના કેટલાક ભાગોમાં ડાંગર પાક માટે વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખૂશહાલ જોવા મળે છે. ડાંગરના પાકની અનુકૂળતા ધરાવતા વિસ્તારમાં વરસાદ થતા ડાંગરનું ધરુવાડિયું બનાવવાનું કામ ખેડૂતોએ શરુ કરી દીધું છે. ગઈકાલે રાત્રીના સુમારે ફરી એકવાર મેઘમહેર થવાની સાથે જ સોજીત્રા, તારાપુર અને ખંભાત તાલુકામાં સવાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. દિવસભરના ઉકળાટ બાદ રાત્રીના દશ વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી વરસાદ થવાથી સમગ્ર ભાલ પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
જો કે વરસાદના લીધે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે સોજીત્રા, તારાપુર અને ખંભાત તાલુકા સિવાય જીલ્લાના પાંચ તાલુકા આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ અને આંકલાવ વરસાદ વિહોણા રહયા હતા. આણંદની ડીઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસાર ૨૪ કલાક દરમિયાન તારાપુરમાં ૩૯, સોજિત્રામાં ૪૮ મીમી, અને ખંભાતમાં ૪૦ મીમી જેટલો વરસાદ પડયો હતો.
આ સાથે જ તારાપુરમાં મોસમનો કુલ વરસાદ ૬૯ મીમી, સોજીત્રામાં ૭૮, ઉમરેઠમાં ૦, આણંદમાં ૬૭, પેટલાદમાં ૬૮, ખંભાતમાં ૯૧ અને બોરસદમાં અને આંકલાવમાં ૨૧ મીમી નોંધાયો છે.
હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ૧૫મી જુન બાદ આણંદ જિલ્લામાં ચોમાસુ બરાબર જામશે. આણંદ કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૫.૫ ડીગ્રી, લઘુત્તમ ૨૫.૮, ભેજના ટકા ૮૦ અને પવનની ગતિ ૬.૯ની પ્રતિ કલાકની રહેવા પામી છે. આજે સવારના ૧૧ કલાકે પારો ૩૦ ડીગ્રી, ભેજના ટકા ૬૫ અને ૧૦ કીમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. આગામી ૬ઠ્ઠી જુન સુધી આકાશ વાદળછાયુ જ રહેવાની શક્યતા રહેવાથી વધુ વરસાદ પડી શકે છે.
`