ખંભાત નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 12 દિવસથી પોતાની પડતર માંગણીઓ અને સાતમા પગાર પંચના લાભો માટે હડતાળ પર છે. આના કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે. આ મુદ્દે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે ત્રણ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાયા છે અને ગટરો ઉભરાઈ રહી છે. હાલ લગ્ન પ્રસંગો અને ધાર્મિક તહેવારોની મોસમ હોવાથી નાગરિકોને સ્વચ્છતાના અભાવે ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને ઉભરાતી ગટરોના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઈ રહી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ સાવજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની 12 દિવસની હડતાળ છતાં નગરપાલિકાના પ્રમુખ કે સત્તાધારી ભાજપ દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેમણે સત્તાધારી પક્ષના અણઘડ વહીવટ અને નિષ્કાળજીને કારણે જનતાને સહન કરવું પડી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આગામી ત્રણ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
જિલ્લા કોંગ્રેસ મહિલા મંત્રી રંજનબા ચૌહાણે ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ બાપુને ખંભાત નગરપાલિકાના પ્રમુખ સામે આ અઠવાડિયામાં જ કડક નિર્ણય લેવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખંભાતની જનતા ગંદકી અને ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે. તેમણે બગીચામાં પ્રવેશ માટે લેવાતી 5 રૂપિયાની ટોકન ફી સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જ્યારે ફી લેવા છતાં બગીચામાં સાફ-સફાઈનો અભાવ છે અને દુર્ગંધ આવે છે. તેમણે માંગ કરી હતી કે જો સત્તા પર બેઠેલા લોકો કામગીરી ન કરી શકતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ.
આવેદનપત્ર પાઠવતી વખતે શહેર કોંગ્રેસ પ્રમુખ સાવજસિંહ ગોહિલ, જિલ્લા મહિલા મંત્રી રંજનબા ચૌહાણ, કાઉન્સિલર ઇફતેખાર યમની, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, સચિન રાણા, ભારતીબેન રાણા સહિતના કાઉન્સિલરો, પૂર્વ સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા.