Advertisement

ખંભાતમાં મધ્યરાત્રિ ચોરી: હરિદર્શન બંગ્લોઝમાં બંધ મકાન તસ્કરોના નિશાને

ખંભાતમાં મધ્યરાત્રિ ચોરી: હરિદર્શન બંગ્લોઝમાં બંધ મકાન તસ્કરોના નિશાને

ખંભાત શહેરના ધર્મજ રોડ પર આવેલી હરિદર્શન બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો કિંમતી દાગીના અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી છે.


મળતી માહિતી મુજબ, હરિદર્શન બંગ્લોઝમાં રહેતા પ્રેમજીભાઈ (મુખી) પ્રજાપતિનો પરિવાર ડીસા ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મધ્યરાત્રિએ ચોરીને અંજામ આપ્યો હતો. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરની હાલત જોઈને ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.


તસ્કરોએ પહેલા ઘરની બહારની લોખંડની જાળી અને મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રાખેલી તિજોરીનો લોક પણ તોડી નાખ્યો હતો. સામાન વેરવિખેર કરીને અંદર રાખેલા કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તસ્કરો દરવાજો અને જાળી બંધ કરીને લોક લટકાવીને પલાયન થઈ ગયા હતા.


ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ભોગ બનનાર પરિવાર અને સ્થાનિકોમાં પોલીસની કામગીરીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. આટલી મોટી ચોરીની ઘટના છતાં પોલીસે માત્ર અરજી લઈને તપાસ શરૂ કર્યાનો દાવો કરતા અનેક સવાલો ઉભા થયા છે.


સ્થાનિકોની માંગ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને વહેલી તકે તસ્કરોને ઝડપી પાડવામાં આવે, જેથી અન્ય કોઈ પરિવાર આવી ઘટનાનો ભોગ ન બને.

Advertisement