ખંભાતના મોચીવાડમાં આઈશરમાં વીજ વાયર ભરાઈને પોલ તુટી પડ્યો હતો, જે પાછળ આવી રહેલા બાઈક ચાલક પર પડતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત જીવંત વાયરને કારણે તેમને વીજ કરંટ લાગ્યો હતો. આ મામલે ખંભાત શહેર પોલીસે આઈશરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના રબારીવાસમાં 42 વર્ષીય હેમાબેન કમલેશભાઈ ઠાકોર રહે છે. ગુરૂવારે સાંજે તેઓ તેમજ તેમના પતિ કમલેશભાઈ બાઈક પર સવાર થઈને બજાર જવા સારૂં નીકળ્યા હતા. તેઓ મોચીવાડમાંથી પસાર થતા હતા ત્યારે એ સમયે આગળ જઈ રહેલી એક આઈશરમાં ઈલેક્ટ્રીક પોલનો વાયર ભરાયો હતો. જેને કારણે પોલ તુટી પડ્યો હતો અને એ પાછળ બાઈક લઈને આવી રહેલા કમલેશભાઈ પર પડ્યો હતો. જેને પગલે દંપતી રોડ પર પટકાયું હતું.
આ સમયે તેમને જીવંત વાયર હોય કરંટ પણ લાગ્યો હતો. જોકે, માથામાં પોલ પડતાં જ તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને ફેક્ચર થયું હતું તથા દસ ટાંકા પણ આવ્યા હતા. આ મામલે ખંભાત શહેર પોલીસે આઈશરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.