આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ પરસોત્તમભાઈ પટેલને અશાંતધારા હેઠળની બે અરજીઓ અંગે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ પોલીસ વિભાગમાં ફફડાટ મચાવી દીધો છે.
મળતી માહિતી અનુસાર, અરજદાર પાસેથી અશાંતધારા હેઠળની બે અલગ-અલગ અરજીઓની કાર્યવાહી કરવા બદલ પીએસઆઈએ પ્રતિ અરજી રૂપિયા 20-20 હજારની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં થયેલી ચર્ચા અને રકઝક પછી રૂપિયા 30 હજાર પર સોદો નક્કી થયો હતો.
એસીબીની ટીમે છટકું ગોઠવી કામગીરી હાથ ધરી હતી. નક્કી થયેલી રકમ રૂપિયા 30,000 લેતા જ એસીબીએ પીએસઆઈ પંકજ પટેલને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હાલ એસીબી દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.