ખંભાતના દહેડા ચોકડી વિસ્તારમાં પત્ની સામે જોઈને કેમ કાતરીયું ખાય છે તેમ કહી થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર લાકડી વડે હુમલો કરાતા તેને ફ્રેક્ચર થતાં સમગ્ર મામલો ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે આ અંગે બે શખસો સામે મારામારી અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, ખંભાતના દહેડા સ્થિત શાંતિ ફળીયામાં રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ભાઈલાલભાઈ રાઠોડે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગામમાં રહેતો નરેશ ઝાલા ચૌહાણે મારી પત્ની સામે જોઈને કેમ કાતરીયાં ખાય છે તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે ફરિયાદીએ સમજાવવા પ્રયાસ કરતાં નરેશ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ મને મળવા માટે દહેડા ચોકડીથી વડગામ તરફ જવાના માર્ગે બોલાવાયો હતો.
ફરિયાદી તે સમયે પોતાની સાસરીમાં હોવાના કારણે ત્યાં ગયો નહોતો. પરંતુ ગત 30મી જાન્યુઆરીના રોજ જ્યારે તે દહેડા ચોકડી પાસે પહોંચ્યો હતો, ત્યારે અગાઉથી નરેશ ઝાલા ચૌહાણ તેમજ દહેડા શાંતિ ફળીયામાં રહેતો કિરણ બાબુ ચૌહાણ હાજર હતા. બંનેએ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી લાકડી વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
હુમલામાં ફરિયાદીને ગંભીર ઇજા પહોંચી હતી અને તેના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું તબીબી તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે નરેશ ઝાલા ચૌહાણ અને કિરણ બાબુ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.