ખંભાતના કંસારી ONGC સ્ટેટ હાઇવે પરથી લાંબા સમયથી થયેલા ગેરકાયદે દબાણો હટાવવા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં માર્ગ પરના 25થી વધુ લારી-ગલ્લા અને કેબિનો દૂર કરાયા હતા.
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદે દબાણોને કારણે સર્જાતી વાહનવ્યવહારની અડચણો અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને સ્ટેટ માર્ગ-મકાન વિભાગે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન પ્રાત અધિકારી કુંજલ શાહ, મામલતદાર જયદેવભાઈ વાંક, સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી આર.એસ. પટેલ અને તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સરપંચ અને તલાટી મંત્રીએ પણ આ કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. કાયદાકીય કાર્યવાહીના ભય અને તંત્રની મક્કમતાને કારણે, ઘણા દબાણકર્તાઓએ તંત્રની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ પોતાના ગેરકાયદે બાંધકામો અને કેબિનો સ્વૈચ્છાએ હટાવી લીધા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'હાઇવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગ સલામતી જાળવવા માટે ગેરકાયદે દબાણો દૂર કરવા અનિવાર્ય હતા. નોટિસ બાદ લોકોએ આપેલા સહયોગથી આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.'