કૌટુંબિક દિયર સાથે ભાગી ગયેલી યુવતીના ૧૧ દિવસમાં થયેલા મોતથી ચકચાર
કપડવંજ તાલુકાના લહેરાજીના મુવાડા તાબે ભુતીયાની ૨૩ વર્ષીય પરિણીતાને કુટુંબિક દિયર સાથે પ્રેમ સંબંધ બંધાતા અગાઉ તે ભાગી ગઈ હતી. બાદમાં પરત આવી પતિ સાથે રહેતી હતી. દરમ્યાન તાજેતરમાં પરિણીતાની ગામના કોતરમાંથી ફોગાઈ ગયેલી લાશ મળી આવી હતી. જો કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ પતિને પોતાની પત્નીને મોત પાછળ તેના પ્રેમીનો હાથ હોવાની આશંકા હોય પોતાની રીતે તપાસ હાથ ધરી તમામ પુરાવા મેળવી પોલીસને આપ્યા હતા. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર કપડવંજ તાલુકાના લહેરાજીના મુવાડા તાબે ભૂતિયા ખાતે ૩૨ વર્ષિય દોલતસિંહ શંકરભાઈ ઝાલા રહે છે. તેમની પત્ની યોગીતાબેન (ઉં.વ.૨૩)ને દોલતસિંહના કાકાના દીકરા જયદિપસિંહ ઉર્ફે કાનો કેસરીસિંહ ઝાલા સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે જયદીપ અને યોગીતા બંને ૧૩ માર્ચના રોજ ઘરેથી ભાગી ગયા હતા. આ બાબતે દોલતસિંહે કપડવંજ રૂરલ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. આશરે ૧૦ દિવસ બાદ યોગીતા તેમજ જયદીપ બંને પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. જો કે પતિ સાથે ચર્ચા કર્યા બાદ વાત સમાધાન પર આવી હતી અને યોગીતા પુન: ઘરસંસાર માંડવા તૈયાર થઈને પોતાના પતિ સાથે રહેવા આવી ગઈ હતી. જ્યારે જયદીપ તેના બહેનની ઘરે ઠાસરા તાલુકાના વણોતી ગામે રહેવા જતો રહ્યો હતો.
ગત ૪ એપ્રિલના રોજ યોગીતા ઘરમાંથી કોઈને કહ્યા સિવાય કોઈને કહ્યા સિવાય ક્યાંક જતી રહી હતી. દોલતસિંહને શંકા જતા તેમણે પોતાની પત્નીની સાથે સાથે જયદિપની પણ તપાસ શરૂ કરી હતી. જો કે તે સમયથી જયદીપ પણ ઘરેથી લાપતા હતો. આ દરમ્યાન ગત ૧૧ એપ્રિલના રોજ દોલતસિંહને વાતોથી માલૂમ પડ્યું હતું કે કોઈ અજાણ્યા સ્ત્રીની લાશ સડી ગયેલ હાલતમાં કપડવંજ તાલુકાના જૂના ખેડા ગામની સીમ તાબે ભૂતિયા ખાતે વેરામાં પડી છે. સંપૂર્ણ ફોગાઈ ગયેલી અવસ્થામાં મળી આવેલી લાશ દોલતસિંહ પોતાના પત્નીની હોવાની પોલીસની હાજરીમાં ઓળખી બતાવી હતી. તે સમયે પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો. ફોગાઈ ગયેલી લાશની ઓળખ મુશ્કેલ હતી. પરંતુ પતિએ પત્નીના માથામાં પહેરેલ બક્કલથી ઓળખ કરી હતી. બીજી તરફ નજીકમાં પાણીની પ્લાસ્ટીકની બોટલ તેમજ બીજી એક ઝેરી દવાની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. આ ઉપરાંત તા. ૪ એપ્રિલના રોજની બસની ટીકીટ પણ પડી હતી. દોલતસિંહે પોતાની પત્નીનું મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ સ્ટેશન ખાતે ચક્કર શરૂ કર્યા હતા. બીજી બાજુ ગામમાં રહેતા એક વ્યક્તિએ દોલતસિંહને જણાવ્યું કે જયદીપ ઉર્ફે કાનો ઝાલાનો ૪ એપ્રિલના રોજ મારા ઉપર ફોન આવેલો અને તેણે મને યોગીતા વિશે પૂછપરછ કરી હતી અને યોગીતા આવે તો તેને મારી પાસે મળવા માટે કોતર તરફ મોકલજે તેમ જણાવ્યું હતું. આ વાત સાંભળીને દોલતસિંહની શંકા વધુ મજબૂત બની હતી. તેમણે પોતાની રીતે પોતાની પત્નીના મોતનું કારણ જાણવા માટે મહેનત શરૂ કરી હતી. દરમ્યાન બસની મળી આવેલ ટિકીટ પરથી બસના કંડક્ટરનીે દોલતસિંહ રૂબરૂ પૂછપરછ કરી હતી અને જયદીપ ઉર્ફે કાનો ઝાલાનો ફોટો બતાવ્યો હતો. પૂછપરછમાં જયદીપ ઘટનાના દિવસે આ બસમાં બેસી ભૂતીયા ગામે ઉતર્યો હોવાની હકિકત બસના કંડક્ટર પાસેથી જાણવા મળી હતી. આ તમામ પુરાવાઓ પોતાની પત્નીની હત્યાની આશંકા સેવતા હતા અને એમાં જયદીપનો હાથ હોવાની શક્યતા દેખાતી હતી. એટલે દોલતસિંહે તમામ પુરાવાઓ એકત્ર કરી કપડવંજ પોલીસને આપતા પોલીસે તેમની ફરિયાદના આધારે જયદીપ ઉર્ફે કાનો ઝાલા વિરૂદ્ઘ હત્યાનો ગુનો નોંધ્યો છે. કોઈ કારણસર જયદીપ ઉર્ફે કાનો ઝાલાએ દોલતસિંહની પત્નીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ઉલ્લેખ છે.
જયદીપ પકડાય તો હત્યાનું કારણ બહાર આવે
પોલીસે હાલમાં જયદીપ સામે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જો જયદીપ પકડાય તો તેણે તેની પ્રેમિકાની હત્યા શા માટે કરે તે વિગત બહાર આવી શકે તેમ છે. હાલમાં જયદીપ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે પોલીસ તેની તપાસમાં લાગી છે.
બેવફા પત્નીના મોતનું કારણ જાણવા પતિએ એડીચોટીનું જોર લગાવી દીધું
કપડવંજ તાલુકાના લહેરાજીના મુવાડા તાબે ભુતીયાની ૨૩ વર્ષિય પરિણિતા પોતાના પતિ સાથ બેવફાઈ કરીને કુટુંબિક દિયર સાથે ભાગી ગઈ હતી છતાં તે ૧૦ દિવસ બાદ પરત આવતા પત્નીની મારી ભૂલ થઈ ગઈ છે તેવી આજીજી સામે નમતું જોખીને પત્નીને અપનાવી લીધી હતી. પરંતુ ત્યારબાદ પત્નીની ગામના કોતરમાંથી મળેલી લાશે પતિને હચમચાવી દીધો હતો. ભલે પત્ની બેવફા હોય, પરંતુ તેના મોતનું સાચું કારણ અને તેની પાસે જવાબદાર વ્યક્તિને સજા મળવી જોઈએ તેવા હેતુથી તેણે પોતાની રીતે તપાસ હાથ ધરી પૂરાવા ભેગા કરીને પોલીસને આપ્યા હતા. જેના આધારે ફરિયાદ થઈ હતી.