કોરોના કાળની RTE ફીમાંથી રીકવરીના પગલે શાળા સંચાલકોમાં અસંતોષ
કોરોના કાળ વખતે રાજયમાં ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રપ ટકા ફી રાહત આપવામાં આવી હતી. પરંતુ તે સાથે આરટીઇ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરકારે પૂરેપૂરી ફી ચૂકવી સંચાલકોને રાહત આપી હતી. પરંતુ હવે ર૦ર૦-ર૧ના વર્ષના ચાલતા ઓડિટમાં આરટીઇના વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવેલી પૂરેપૂરી ફીમાંથી રપ ટકાની રીકવરી કાઢવામાં આવી રહ્યાના મામલે આણંદ જિલ્લામાં ૧૦૦થી વધુ સ્કૂલોના શાળા સંચાલક મંડળમાં રોષ વ્યાપ્યાનું જાણવા મળે છે. જેમાં કેટલાક તાલુકામાં ડાયરેકટ રકમ કાપીને ગ્રાન્ટ ચૂકવવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવતા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મળતી વિગતોમાં કોરોના વખતે શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ)ના બાળકોને સરકાર દ્વારા મળતી ફી પૂરેપૂરી આપવામાં આવશે તેમ જણાવીને તે મુજબ ફીની ચૂકવણી કરી હતી. જે તે વખતે વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. ૧૩ હજારની ફી સ્કૂલોને ચૂકવાઇ હતી. આમ, ખાનગી વિદ્યાર્થીઓને રપ ટકા રાહત આપ્યા બાદ આરટીઇના વિદ્યાર્થીઓની ફી પૂરેપૂરી ચૂકવી સંચાલકોને રાહત આપવામાં આવી હતી.
જો કે હાલમાં શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧નું ઓડિટ ચાલી રહ્યું છે. જેમાં ઓડિટર દ્વારા આરટીઇના બાળકો માટે ખાનગી સ્કૂલોને ચૂકવવામાં આવેલી ફીની રીકવરી કાઢવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. સરકાર દ્વારા ર૦ર૦-ર૧માં રપ ટકા રાહત આપવામાં આવી હતી તેનો અમલ આરટીઇના વિદ્યાર્થીઓમાં પણ કરવાનું હોવાનું જણાવીને આ રિકવરી કાઢવામાં આવ્યાની વિગતો સામે આવી છે. આ મુદ્દે જે તે વખતે પૂરેપૂરી રકમ ચૂકવવાની વાત થયા બાદ હવે રિકવરી કાઢવામાં આવતા શાળા સંચાલકોમાં આક્રોશ ફેલાયો છે.
ઠરાવમાં ફીમાં રપ ટકા ઘટાડાની જોગવાઇ ન હોવા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે : પ્રમુખ, આણંદ જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ
આ મુદ્દે આણંદ જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્રભાઇ અમીને જણાવ્યું હતું કે, ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ સને ર૦૧૭ અન્વયે રાજયને ચાર ઝોનમાં વહેંચીને પ્રત્યેકમાં ૮-૯ જિલ્લાનો સમાવેશ કરાયો હતો અને ધો.૧થી ૮માં મહત્તમ ૧પ હજાર, ધો.૧૧,૧ર સા.પ્રવાહમાં ર૭ હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૦ હજાર વાર્ષિક ફી નકકી કરવામાં આવી હતી.તા. ૭ ઓકટો.ર૦ર૦ના ઠરાવમાં કોઇ જગ્યાએ આરટીઇની ફીમાં રપ ટકા ઘટાડો કરવાની કોઇ જોગવાઇ કરેલ નથી. છતાં રાજયના કેટલાક જિલ્લામાં સહાયક નિરીક્ષકની કચેરી દ્વારા ઓડિટમાં બિનજરુરી વાંધા કાઢીને આરટીઇના વિદ્યાર્થીની ફીમાંથી રપ ટકા વસૂલ કરીને સરકારમાં જમા કરાવવાનો હૂકમ કર્યો છે. કોરોના સમયમાં વિદ્યાર્થીઓના વાલીને શાળાને મળવાપાત્ર ફીમાંથી રપ ટકા ઘટાડો કરીને ફી વસૂલવામાં આવી હતી. આ સમયમાં સંસ્થાની આવકમાં રપ ટકા ઘટાડો થવા છતાં સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને પૂરેપૂરી પગારની રકમ ચૂકવેલ છે. જેથી આરટીઇ ફીની રીકવરી અંગે નિરાકરણ માટે રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.