આણંદ પાસેના કાસોરમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂપિયા 3.44 લાખની મતાની ચોરી કરી હતી. નોંધનીય છે કે, ભાલેજમાં દરગાહમાં થયેલી ચોરીના આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં વળી વધુ એક ચોરી થતાં જ ભાલેજ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાસોર ગામે શ્રીકાંતકુમાર ઉર્ફે સીકો હર્ષદભાઈ પટેલ રહે છે. તે તેમજ તેમના પરિવારજનો, મિત્રો અને પડોશમાં રહેતા કલ્પનાબેન ઉર્ફે મીના દિપકભાઈ પટેલ સહિતના લોકો ગત 29મી જાન્યુઆરીના રોજ અંબાજી દર્શન માટે નીકળ્યા હતા. દરમિયાન, ગત 31મીના રોજ સવારે તેમના મિત્ર મનોજભાઈ ઉર્ફે શંભુભાઈએ તેમને ફોન કરીને તેમના ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી. જેને પગલે તેઓ એ દિવસે જ અંબાજીથી કાસોર ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તેઓએ ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી નાંખી ઘરમાં પ્રવેશી ઘરમાંનો તમામ માલ-સામાન અસ્તવ્યસ્ત કરી નાંખી ચોરી કરી હતી.
જોકે, તસ્કરોએ શ્રીકાંતકુમાર ઉપરાંત પડોશમાં રહેતા કલ્પનાબેન દિપકભાઈ પટેલના મકાનને પણ નિશાન બનાવ્યું હતું. બંને મકાનમાં મળી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3.44 લાખની મતાની ચોરી કરી હતી. નોંધનીય છે કે, ભાલેજ દરગાહમાં થયેલી ચોરીમાં પણ આ જ ગેંગની સંડોવણીની શક્યતાઓ જોવાઈ રહી છે. હાલમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે ભાલેજ પંથકમાં લોકો પોતાની માલ-મતાને લઈને ચિંતાતુર બન્યા છે.
સમગ્ર ઘટનામાં પોલીસે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે, સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા ગામમાં લગાવેલા કેમેરાના સીસીટીવી ફૂટેજ એકઠાં કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં જે સ્થળે ચોરી થઈ તેની સામે જ કેમેરો લગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. પરંતુ જ્યાં કેમેરો લગાવ્યો હતો તે થાંભલો પડી ગયો હતો. થાંભલો પડી જતાં નવો થાંભલો પુન: બેસાડવામાં આવ્યો હતો, જે વાતને પણ દોઢેક મહિનાનો સમય થઈ ગયો હતો. પરંતુ પંચાયતે થાંભલા પરના બંધ કેમેરાને ચાલુ કરવાની તસ્દી ન લીધી. જેને કારણે તસ્કરોને ચોરી માટે બિન્દાસપણે મોકળું મેદાન મળી ગયું હતું. આમ, આ ઘટના બાદ કેમેરા લગાવવા પાછળ કરાયેલો લાખોનો ખર્ચો એળે ગયો હોય એવી ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે.