કરમસદ-ગાના રોડ બન્યો ગટર માર્ગ, રોગચાળાનો ખતરો
કરમસદ નગરપાલિકાના શાસન દરમિયાન કરમસદ ગાના રોડ પર કોઇ પણ આયોજન કે ટીપી કે ડીપી સિવાય આડેધડ રીતે રસ્તા અને ગટર સહિતના ગામો કરેલા છે,કરમસદ ગાના રોડ પર ગટરના ગંદા પાણી અડધો કિમી સુધી ફેલાય ગયા છે. જેના કારણે સોસાયટીના રહીશોને ગંદા પાણી પડીને અવરજવર કરવી પડતી હોવાથી ચામડીના રોગ થવાની સંભાવના રહેલ છે. જે અંગે મનપા કચેરીમાં છેલ્લા 6 માસથી રજૂઆત કરવા છતાં એક જ જવાબ મળે છે. તમારો પ્રશ્ન ટુંકસમયમાં હલ થઇ જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ ગાના રોડ વૈકુંઠ સોસાયટી સહિત આસપાસમાં નાની મોટી 50થી વધુ સોસાયટીઓ આવેલી છે. હાલમાં પણ નવી સોસાયટીઓના નિર્માણ કાર્ય ચાલે છે. 4 હજાર વધુ રહીશો રહે છે.કરમસદ નગરપાલિકાના શાસન દરમિયાન 10 વર્ષ અગાઉ ગટર લાઇનના નાંખવામાં આવી હતી.પરંતુ જે તે વખતે પાલિકા કોઇ પણ આયોજન વગર નાની પાઇપો નાંખી દીધી હતી.
હાલમાં વસ્તી વધી ગઇ હોવાથી ગટરના પાઇપો નાની હોવાથી આગળ પાણીનો નિકાલ થતો નહીં હોવાથી દરરોજ ગટરના ગંદા પાણી ઉભરાય છે. જેના કારણે સ્થાનિક રહીશો ચાલીને જવું હોય તો ગંદાપાણીમાં પડીને અવરજવર કરવી પડે છે. વિદ્યાર્થી સહિત વૃદ્વોને ભારે હાલાકી પડે છે. આ અંગે મનપા ડેપ્યુટી કમિશ્નર જણાવ્યું હતું કે, હાલમાં ગટર લાઇનની કામગીરી અંગે કામો હાથ લેવામાં આવનાર છે. ત્યારે આ પ્રશ્ન હલ થઇ જશે.
ગટરની પાઇપો નાની હોવાથી પાણી બેંક મારતા ઉભરાય છે
કરમસદ પાલિકાના શાસન દરમિયાન જે તે વખતે માત્ર 1 હજારની વસ્તીને ધ્યાને લઇને ગટર લાઇન જોડાણ સ્ટ્રોમ ડ્રેનેજમાં આપવામાં આવ્યું હતું. જે તે વખતે પાલિકા ગટરની નાની પાઇપો નાંખી છે. જેને લઇને વારંવાર પાણી બેંક મારે છે. તેમજ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન સુધી લાઇન આડેધડ રીતે નાંખવામાં આવી છે. જેના કારણે પાણી બેક મારતા છેલ્લા ત્રણ માસથી ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે.
3 માસથી ભરાઇ રહેતા ગંદા પાણીથી રોગચાળાની દહેશત
કરમસદ ગાના માર્ગો પર ગટરના ગંદા પાણી છેલ્લા ત્રણ માસથી ઉભરાઇ છે. તેમાં ચોમાસામાં ગટરના ગંદા પાણી સાથે વરસાદી ભરાઇ જતાં નજીકની સોસાયટીમાં ઘુસી જાય છે. જેના કારણે રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે.ગંદકીના કારણે મચ્છરો સહિતની જીવાતોનો ઉપદ્વવ વધી ગયો હોવાથી રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે.