કરમસદ-આણંદ: ફાયર અવેરનેસ મોકડ્રિલ યોજાઈ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સલામતી તાલીમ
આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET)ના મુખ્ય ગ્રાઉન્ડ ખાતે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર અવેરનેસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફાયર વિભાગના વડા ધર્મેશ ગોર અને તેમની ટીમે આગ લાગવાની પરિસ્થિતિમાં તાત્કાલિક લેવાતા પગલાં અંગે પ્રાયોગિક માહિતી આપી હતી. મોકડ્રિલ દ્વારા આગ સમયે સાવચેતી રાખવા અને પરિસ્થિતિનો સામનો કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં રેસ્ક્યુ કામગીરીનું ડેમોસ્ટ્રેશન પણ સામેલ હતું.
મોકડ્રિલ દરમિયાન કુલ ચાર પ્રકારની આગ અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. દરેક પ્રકારની આગમાં કયા ફાયર સાધનોનો ઉપયોગ કરવો તે અંગે સ્પષ્ટ માહિતી અપાઈ હતી. આગ લાગ્યાના પ્રારંભિક તબક્કામાં પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવી તે બાબતે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આગ લાગવાના સમયે નાસભાગ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટેના જરૂરી પગલાં અને પોતાનું તેમજ આસપાસના લોકોનું સુરક્ષણ કેવી રીતે કરવું તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પ્રાયોગિક રીતે ફાયર સાધનોના ઉપયોગની પ્રક્રિયા પણ નિહાળી હતી.
ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો અને ફાયર ફાઈટર ગાડીમાં ઉપલબ્ધ સગવડો તથા તેની કાર્યપ્રણાલી અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આગ નિવારણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.