Advertisement

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરમસદના અખંડ ભારત ઉદ્યાન ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કમિશનર મિલિંદ બાપનાએ ધ્વજવંદન કરી નગરજનોને સંબોધિત કર્યા હતા.


કમિશનર બાપનાએ જણાવ્યું કે સરદાર પટેલની કર્મભૂમિ પર મનપાની રચનાના એક વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારના સહયોગથી વિકાસની ગતિ તેજ બની છે. રાજ્ય સરકારે વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે મનપાને ૨૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનાથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.


આગામી સમયના ભવ્ય વિઝન અંગે વાત કરતા મિલિંદ બાપનાએ જાહેરાત કરી હતી કે આણંદ-વિદ્યાનગર રોડ પર વિશ્વસ્તરીય 'સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર' અને APC સર્કલ પર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.


કમિશનરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવા માટે પાંચ મુખ્ય સંકલ્પો રજૂ કર્યા હતા. તેમણે નગરજનોને "મારું શહેર, મારી ઓળખ" ના ભાવ સાથે સ્વચ્છતા જાળવવા, કચરાનું વર્ગીકરણ કરવા અને શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય સહયોગ આપવા અપીલ કરી હતી.


તેમણે ઉમેર્યું હતું કે મનપાની સેવાઓને ડિજિટલ બનાવી પારદર્શિતા લાવવી અને નવા ભળેલા ગામોને શહેર જેવી જ આધુનિક સુવિધાઓ પૂરી પાડવી એ મનપાની પ્રાથમિકતા રહેશે.


આ ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મનપાના અધિકારીઓ અને કર્મચારીઓનું કમિશનરના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ, ફાયર ઓફિસર એસ.કે. ગોર સહિત મનપાના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વડીલો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



Advertisement