કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરમસદ વિસ્તારમાં બાકી પડતા મિલ્કત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટેક્સ શાખાની ટીમ દ્વારા કરમસદ સ્થિત દુલ્હારી એપાર્ટમેન્ટમાં આવેલી એક દુકાનને લાંબા સમયથી બાકી રહેલા વેરા મામલે સીલ કરવામાં આવી હતી.
માહિતી મુજબ, સંબંધિત દુકાનધારકને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી હતી અને બાકી વેરો તાત્કાલિક ભરવા સૂચના આપવામાં આવી હતી. છતાં સમયમર્યાદામાં વેરાની રકમ જમા ન થતાં મહાનગરપાલિકાએ નિયમો મુજબ સીલ કરવાની કાર્યવાહી અમલમાં મૂકી હતી.
આ કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને દુકાન સીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં બાકી રહેલા વેરાની વસૂલાત માટે આવનારા દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.
મહાનગરપાલિકાએ મિલ્કતધારકોને અપીલ કરી છે કે તેઓ સમયસર વેરો ભરી નાગરિક ફરજ નિભાવે, નહિતર નિયમ મુજબ સીલિંગ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.