આણંદ પાસેના કરમસદ ગામે રહેતા એક રીક્ષા ચાલકે સોમવારે સવારે ધોળા દિવસે કરમસદ હોસ્પિટલ નજીક મહિલા સાથે શારીરિક અડપલાં કરી મહિલાને ગાલ ઉપર લાફા મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિદ્યાનગર પોલીસે શખસ વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ પાસેના કરમસદ ગામ સ્થિત દેવવાળા ફળીયા ખાતે જિતેન્દ્ર સુરેશ ખાંટ રહે છે. તે રીક્ષા ડ્રાઈવિંગ કરી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે દસ વાગ્યાની આસપાસ તે કરમસદ મેડિકલ નજીક રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે જિતેન્દ્રની ઓળખીતી એક મહિલા કરમસદ મેડિકલના ગેટ પાસે આવી હતી અને તેણે પોતાને રીક્ષામાં મુસાફરી કરીને બહાર જવું હોઈ રીક્ષા ચાલક જિતેન્દ્ર ખાંટને બોલાવ્યો હતો. જેથી જિતેન્દ્ર ખાંટ તેની પાસે ગયો હતો અને મહિલા કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેની સાથે બિભત્સ હરકત કરી હતી. જેને પગલે મહિલા ડરી ગઈ હતી. આ બાબતને પગલે તેણીએ જિતેન્દ્ર સાથે બોલાચાલી કરી હતી. બીજી તરફ રીક્ષા ચાલક જિતેન્દ્રએ પણ ચોરી ઉપરથી સીનાચોરીની માફક તેણીને ગમે તેમ અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેને લાફા મારી દીધા હતા.
આ સમગ્ર ઘટના સોમવારે સવારે દસ વાગ્યાની આસપાસ જાહેરમાં બની હતી. બંનેને ઝઘડતા જોવા છતાં પણ અન્ય લોકો મહિલાની મદદમાં આવ્યા નહોતા. જેને પગલે તેણીએ 112ની મદદ માંગી હતી. તેણીએ ફોન કરીને મદદ માંગતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મહિલાની તબિયત અને માનસીક સ્થિતિ સારી ન હોઈ મહિલાને આણંદ જનરલ હોસિપ્ટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે જિતેન્દ્ર સુરેશ ખાંટ વિરૂદ્ધ છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.