Advertisement

કરમસદના મિલેનીયમ હાઈટ્સમાં ક્રિકેટ રમવા મુદ્દે ઘમાસાણ, લાકડી-બેટથી હુમલો

કરમસદના મિલેનીયમ હાઈટ્સમાં ક્રિકેટ રમવા મુદ્દે ઘમાસાણ, લાકડી-બેટથી હુમલો

આણંદ પાસેના કરસમદ ગામ સ્થિત મિલેનીયમ હાઈટ્સના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ ગામે જે.બી.પટેલ આઈટીઆઈ સામે દેવ હાઇટ્સમાં શુભમ અમૃતભાઈ પટેલ રહે છે. 


રવિવારે સાંજે તે પોતાના બિલ્ડીંગની સામે આવેલા મિલેનીયમ હાઇટ્સ કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. પોતાના મિત્રો મોહિત, વૈભવ, રોમીત, ભવ્ય, જનક સાહિતના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. આ વખતે મિલેનીયમ હાઈટ્સ ખાતે રહેતા પમીબેન ભરવાડ નીચે આવીને ક્રિકેટ રમી રહેલા શુભમ અને તેના મિત્રોને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમને અપશબ્દ બોલવાની ના પાડતાં પમીબેન ભરવાડનો દીકરો દક્ષ ભરવાડ ડાંગ લઈને આવી ચઢ્યો હતો.


તેણે શુભમના મિત્ર રોમિતને માર માર્યો હતો. જેથી શુભમ છોડાવવા વચ્ચે પડતા શુભમને પણ માથામાં ડાંગ મારી દીધી હતી. પરમ રાવળે શુભમ પટેલને કપાળના ભાગે લાકડી મારી હતી.


આ બનાવ અંગે શુભમ પટેલની ફરિયાદના આધારે પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. એ જ રીતે સામા પક્ષે પમીબેન ધર્મેન્દ્રભાઈ મારૂ(ભરવાડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના બિલ્ડીંગની નીચે કંપાઉન્ડમાં શુભમ સહિતના યુવાનો ક્રિકેટ રમતા હોઈ નીચે આવીને અહીં ક્રિકેટ ના રમશો, વાહનોને નુકસાન થાય છે તેમ કહેતા અપશબ્દ બોલી પમીબેનના દીકરાના મિત્ર પરમને કપાળમાં બેટ મારી દીધું હતું.

Advertisement